Mayor election: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે હવે રાજ્યની વધુ 7 મહાનગરપાલિકાઓને નવા મેયર મળવા જઈ રહ્યા છે. આજે સુરત, રાજકોટ, વડોદરા, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં મેયર પદ માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મહાનગરપાલિકાઓમાં નવા મેયરની પસંદગી સાથે શહેરના વિકાસકાર્યો, નગરસેવાનો અને આગામી રાજકીય સમીકરણો પર પણ અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોણ મેયર બનશે તે મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
સુરત, રાજકોટ, વડોદરા સહિત 7 મનપામાં આજે મેયરની જાહેરાત
મળતી માહિતી મુજબ આજે સુરત, વડોદરા, રાજકોટ અને વલસાડ મહાનગરપાલિકાઓમાં નવા મેયરના નામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકામાં પણ મેયર પદ માટેની વરણી પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પરિણામો બાદ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે હવે સત્તાવાર જાહેરાત સાથે રાજકીય અટકળોનો અંત આવશે.
26 મેના રોજ 8 મનપામાં થઈ હતી મેયરની વરણી
આ પહેલા 26 મેના રોજ અમદાવાદ સહિત રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે બાકી રહેલી 7 મનપામાં મેયરની પસંદગી સાથે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ માટે પણ આ વરણી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આગામી સમયના સ્થાનિક વિકાસ અને વહીવટી નિર્ણયો માટે મેયરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઇબોલાનો એલર્ટ!: આણંદમાં યુગાન્ડાથી આવેલા બે યુવકો હોમ આઈસોલેશનમાં, આરોગ્ય તંત્ર સતર્ક
રાજકીય સમીકરણો પર રહેશે નજર
આજે જાહેર થનારા મેયરના નામોને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને કયા નેતાને શહેરના પ્રથમ નાગરિક તરીકે તક મળશે અને નવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે કે નહીં તે અંગે ઉત્સુકતા છે.
મેયરની જાહેરાત બાદ શહેરોમાં વિકાસના નવા એજન્ડા, પ્રાથમિકતાઓ અને વહીવટી દિશા અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
ભાજપના મોવડી મંડળ દ્વારા પસંદગી પર નજર
મેયરની પસંદગીમાં ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી' અને 'સામાજિક સમીકરણો'ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે. શહેરના વિકાસના કાર્યોને ગતિ આપવા માટે અનુભવી અને નિષ્ઠાવાન કાર્યકરોને તક આપવામાં આવે તેવી સંભાવના છે. આજે બપોર સુધીમાં તમામ ૭ મહાનગરપાલિકાઓના સત્તાવાર નામો જાહેર કરી દેવામાં આવશે, જેના બાદ ભાજપના સ્થાનિક સંગઠનોમાં અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ઉત્સાહ જોવા મળશે. રાજકીય નિષ્ણાતોના મતે, આ મેયરની વરણી બાદ શહેરોમાં વિકાસ કામોના આયોજનને નવી ગતિ મળશે. હવે જોવાનું એ રહેશે કે આ ૭ શહેરોમાં કયા ભાગ્યશાળી ઉમેદવારો મેયરપદની જવાબદારી સંભાળે છે.





