Home Gujarat Gujarat Dahod Forest Tiger Conservation Project Two Tigresses From Mp

ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા સરકારનો મોટો નિર્ણય : જાણો ક્યા રાજ્યમાંથી મંગાવાશે વાઘણ

dahod forest tiger-conservation two tigresses
Image Credit: @desai_aparna
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 05:22 AM IST

દાહોદ: ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. દાહોદના જંગલોમાં મધ્ય પ્રદેશમાંથી આવેલો વાઘ છેલ્લા કેટલાક સમયથી સ્થાયી થયો હોવાનું સામે આવ્યા બાદ હવે તેના વંશવેલો વધારવા માટે રાજ્ય સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ મધ્ય પ્રદેશમાંથી બે વાઘણોને દાહોદના જંગલ વિસ્તારમાં લાવવામાં આવશે, જેથી અહીં વાઘોની સંખ્યા વધે અને પ્રજાતિનું સંરક્ષણ વધુ મજબૂત બની શકે. વન વિભાગ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દાહોદના જંગલોમાં વસવાટ કરી રહેલા વાઘ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવું, તેની સલામતી સુનિશ્ચિત કરવી અને ભવિષ્યમાં વાઘોની સ્થાયી વસાહત વિકસાવવી એ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દહેરાદૂનની નિષ્ણાત ટીમે વનકર્મીઓને આપી ખાસ તાલીમ

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ટાઈગર સેલ, દહેરાદૂનની નિષ્ણાત ટીમોએ દાહોદની મુલાકાત લીધી હતી. આ ટીમોએ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને ત્રણ દિવસ સુધી વિશેષ તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન વાઘના સંરક્ષણ, દેખરેખ, સુરક્ષા અને વાઘના વર્તન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, વાઘના પંજાના નિશાન પરથી નર (મેલ) અને માદા (ફિમેલ) વાઘની ઓળખ કેવી રીતે કરવી તે અંગે પણ પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે ઉનાળુ વેકેશન લંબાશે?: શાળા સંચાલકોની સરકાર સમક્ષ મોટી માંગ

વાઘની હલચલ પર નજર રાખવા 14 નાઈટ વિઝન કેમેરા ગોઠવાયા

દાહોદ નજીક આવેલા સાગટાળા જંગલમાં હાલ વાઘની હલચલ અને ગતિવિધિઓ પર વન વિભાગ બારીકાઈથી નજર રાખી રહ્યો છે. વાઘનું ચોક્કસ લોકેશન જાણી શકાય અને તેની ગતિવિધિઓનું મોનીટરીંગ અસરકારક રીતે થઈ શકે તે માટે જંગલ વિસ્તારમાં 14 જેટલા આધુનિક નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાઓ દ્વારા વાઘના આવાગમન, રહેઠાણ અને વર્તન અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જેથી આગામી સમયમાં વાઘણોને છોડવાની પ્રક્રિયા સરળ બની શકે.

કજેટા અને સાગટાળા રેન્જમાં વાઘનું સ્થાયી વસવાટ

વન વિભાગના સૂત્રો મુજબ હાલ મધ્ય પ્રદેશથી આવેલો વાઘ દાહોદની કજેટા અને સાગટાળા રેન્જમાં સ્થાયી થયેલો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં પૂરતું જંગલ, પાણી અને શિકારની ઉપલબ્ધતા હોવાથી વાઘ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાનું માનવામાં આવે છે. ટૂંક સમયમાં જ મધ્ય પ્રદેશથી બે વાઘણોને દાહોદ લાવી જંગલમાં મુક્ત કરવામાં આવશે. જેના કારણે વાઘના પરિવારનો વિકાસ થશે અને ગુજરાતમાં વાઘોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઇબોલા વાયરસનો કોઈ કેસ નથી: પ્રફુલ પાનશેરિયા: કોંગોથી આવેલા શંકાસ્પદ યુવક સહિત 3 લોકોને માત્ર અગમચેતીના ભાગરૂપે કરાયા ક્વોરેન્ટાઇન

ગુજરાતના વન્યજીવ અને ટુરિઝમ માટે બની શકે મોટું આકર્ષણ

જો આ પ્રોજેક્ટ સફળ થશે તો તે માત્ર વાઘ સંરક્ષણ માટે જ નહીં પરંતુ ગુજરાતના વન્યજીવ ઇકોસિસ્ટમ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ માટે પણ એક મોટું સીમાચિહ્ન સાબિત થઈ શકે છે. વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે, દાહોદમાં વાઘોની સ્થાયી વસાહત વિકસે તો ભવિષ્યમાં આ વિસ્તાર ગુજરાતના મહત્વપૂર્ણ ઇકો-ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે ઉભરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now