Gandhinagar News: આફ્રિકાના યુગાન્ડા અને કોંગો સહિતના દેશોમાં હાલ ઇબોલા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, જેને પગલે વિશ્વભરના દેશોને ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ વૈશ્વિક એલર્ટ વચ્ચે કોંગોથી ગુજરાત આવેલા એક બેન્કરને કારણે રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ ભારત કે ગુજરાતમાં ઇબોલા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. માત્ર અગમચેતીના ભાગરૂપે શંકાસ્પદ દર્દી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોંગોથી મુંબઈ થઈને વડોદરા આવ્યા હતા યુવક
મળતી માહિતી મુજબ, અમીરી લોકોલા નામના 37 વર્ષીય બેન્કર તાજેતરમાં જ આફ્રિકાના કોંગો દેશથી ફ્લાઇટ મારફતે મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી તેઓ વડોદરા પહોંચ્યા હતા. તેઓ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી આવ્યા હોવાથી પ્રોટોકોલ મુજબ તકેદારીના ભાગરૂપે તેમને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
બ્લડ સેમ્પલ લેવાયા, ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી
આરોગ્ય મંત્રીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમીરી લોકોલા કોંગોથી આવ્યા હોવાથી તેમને શંકાસ્પદ દર્દી તરીકે ગણીને 11 દિવસ માટે ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના પ્રાથમિક તપાસમાં ઇબોલા ટેસ્ટની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. હાલ સિવિલના તબીબો દ્વારા તમામ જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે."
સંપર્કમાં આવેલા ડોક્ટર સહિત અન્ય 2 લોકો પણ ક્વોરેન્ટાઇન
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કડક કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. દર્દીના સંપર્કમાં આવેલા સુનિલ મૂસાના નામના ડોક્ટર અને તેમની સાથે અન્ય 2 વ્યક્તિઓ, એમ કુલ મળીને વધુ ત્રણ લોકોને પણ હાલ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
તંત્ર સજ્જ, નાગરિકોને ગભરાવાની જરૂર નથી
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે આ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો અને અગમચેતીના ભાગરૂપે લેવાયેલું પગલું છે, જેથી રાજ્યમાં ક્યાંય પણ ડરનો માહોલ ઊભો ન થાય. એરપોર્ટ અને અન્ય સ્થળો પર પણ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને ગુજરાતનું આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.





