Home Gujarat Gujarat Wire Fencing Subsidy Increase Farmers Benefit

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર : ખેતર ફરતે તાર ફેન્સિંગ માટે સહાયમાં વધારો, જાણો કોને મળશે લાભ, કેવી રીતે કરશો અરજી

Good news for farmers
Published by: Aryan Shah
Last Updated: May 27, 2026, 01:13 PM IST

Good news for farmers : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. ખેતરોમાં ઊભા પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓ દ્વારા થતા નુકસાનથી બચાવવા માટે ચાલતી કાંટાળી તારની વાડ બનાવવાની યોજનામાં સરકારે મોટા સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને મળતી આર્થિક સહાયમાં વધારો કરવાની સાથે યોજનાના નિયમોને પણ વધુ સરળ બનાવવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયો અંગેની સત્તાવાર વિગતો જાહેર કરી છે.

સહાયના દરમાં મોટો વધારો

બજારમાં માલ-સામાનના ભાવ અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા કુલ ખર્ચના 50 ટકા (બેમાંથી જે ઓછું હોય તે) મુજબ સહાય મળતી હતી. હવે ખેડૂતોનો આર્થિક બોજ ઓછો કરવા માટે સરકારે આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર 300 રૂપિયા અથવા ખરેખર થનારા ખર્ચના 50 ટકા કરી દીધી છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક ટેકો મળશે.

જમીનની મર્યાદામાં મોટી રાહત

અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર (જૂથ) હોવું ફરજિયાત હતું. ઘણી વખત જૂથના કોઈ ખેડૂત સહમત ન થાય તો નાના ખેડૂતો જમીનની મર્યાદા પૂરી ન થવાના કારણે સહાયથી વંચિત રહી જતા હતા. ખેડૂતોની આ મુશ્કેલીને દૂર કરીને સરકારે હવે જમીનની મર્યાદા ઘટાડીને માત્ર એક હેક્ટર કરી દીધી છે. હવે માત્ર એક હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતો પણ આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકશે.

ચોમાસા પહેલા અરજીઓનો નિકાલ

સરકારના જણાવ્યા મુજબ આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં તાર ફેન્સિંગ સહાય માટે અંદાજે 1 લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. ખેડૂતો ચોમાસાની ખેતીમાં વ્યસ્ત થાય તે પહેલા જ આ તમામ એક લાખ અરજીઓને તબક્કાવાર નિયમો અનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

બજેટ અને વધારાના ભંડોળની જોગવાઈ

આ યોજનાને વ્યાપક સ્તરે અમલમાં મૂકવા માટે સરકારે 240 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. સામાન્ય રીતે આ યોજના માટે વર્ષમાં એક જ વાર પોર્ટલ ખોલવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે વધુમાં વધુ ખેડૂતો લાભ લઈ શકે તે માટે જરૂર પડ્યે બીજી વાર પણ પોર્ટલ ખોલવામાં આવશે. મંત્રીએ ખાતરી આપી છે કે જો અરજીઓ વધશે તો 240 કરોડ રૂપિયા ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને તમામ લાયક ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now