આણંદ: આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઇબોલા વાયરસના કેસોમાં વધારો નોંધાતા ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને યુગાન્ડા સહિતના પ્રભાવિત દેશોમાંથી ગુજરાત પરત ફરેલા મુસાફરો પર આરોગ્ય વિભાગ દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંભવિત જોખમને સમયસર નિયંત્રણમાં લેવા માટે સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકોને હોમ આઈસોલેશનમાં રાખી સતત મેડિકલ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં યુગાન્ડાથી પરત આવેલા બે યુવકોને આરોગ્ય વિભાગે 21 દિવસ માટે હોમ આઈસોલેશન હેઠળ રાખ્યા છે. આ બંને યુવકો ગામડી અને બોરસદ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી, છતાં ઇબોલા જેવી ગંભીર ચેપજન્ય બીમારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી.
આણંદમાં બે યુવકો 21 દિવસ માટે હોમ આઈસોલેશનમાં
મળતી માહિતી મુજબ, યુગાન્ડાથી ગુજરાત પરત આવેલા આણંદ જિલ્લાના ગામડી અને બોરસદ વિસ્તારના બે યુવકોને સાવચેતીના પગલાંરૂપે 21 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, ઇબોલા વાયરસના સંભવિત જોખમને અવગણવામાં નહીં આવે અને દરેક મુસાફરનું નિયમિત મેડિકલ ફોલોઅપ ચાલુ રહેશે.
અમદાવાદમાં પણ ઇબોલાને લઈને તંત્ર વધુ સતર્ક
આ તરફ અમદાવાદમાં પણ ઇબોલાની આશંકાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. તાજેતરમાં આફ્રિકાના પ્રભાવિત દેશમાંથી આવેલા એક શંકાસ્પદ દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિશેષ ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કેટલાક લક્ષણો જણાતા તેને તાત્કાલિક આઈસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ તે વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરી તેમના સ્વાસ્થ્ય પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ શું કહે છે?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલ અમદાવાદ અથવા ગુજરાતમાં ઇબોલાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે વિશેષ દેખરેખ અને મેડિકલ સ્ક્રીનિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાંથી આવેલા અંદાજે 11 લોકોને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદના થલતેજ અને જોધપુર વિસ્તારમાં રહેતા આ લોકોમાં હાલ સુધી કોઈ લક્ષણો નોંધાયા નથી, છતાં આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનીટરીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધુ સઘન
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ આરોગ્ય વિભાગે સ્ક્રીનિંગ પ્રક્રિયા વધુ કડક બનાવી છે. ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોની એરપોર્ટ પર તબીબી તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને તાવ, ઉલ્ટી, શરીરમાં ભારે નબળાઈ અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની સલાહ આપી છે.
સિવિલ અને SVP હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર
ઇબોલા વાયરસ જેવી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલ ખાતે વિશેષ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે. SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ ક્વોરેન્ટાઇન વિભાગ ઉભો કરવામાં આવ્યો છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં 24 કલાક માટે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની વિશેષ ટીમ તૈનાત રાખવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી દવાઓ, સુરક્ષા સાધનો અને સારવારની તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી ખતરનાક ઇબોલાનો પહેલો કેસ: તાત્કાલિક દર્દીને કરાયો અલગ , સિવિલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર
સરકાર અને આરોગ્ય તંત્ર સતત નજર રાખી રહ્યું છે
રાજ્ય સરકાર, AMC આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સત્તાધિકારીઓ વચ્ચે સતત સંકલન દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર સ્થિતિ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારવામાં આવી છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે સમયસર સ્ક્રીનિંગ, હોમ આઈસોલેશન અને સતત મેડિકલ મોનીટરીંગ દ્વારા કોઈપણ સંભવિત જોખમને અસરકારક રીતે અટકાવી શકાય છે.





