Home Gujarat Vadodara Dabhoi Diarrhea Vomiting Outbreak Health Department Action

ડભોઈમાં કાળઝાળ ગરમી વચ્ચે ઝાડા-ઊલટીનો પ્રકોપ : આરોગ્ય વિભાગની 30 ટીમો મેદાને

આરોગ્ય વિભાગની ટીમની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 28, 2026, 09:49 AM IST

વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. નગરના કેટલાક વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ગરમી અને દૂષિત પાણીના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ડભોઈના દયારામનગર પાછળનો વિસ્તાર, નવીનગરી કડિયાવાડ તેમજ ભીલ વાગા વિસ્તારમાં ઝાડા-ઊલટીના અનેક કેસો નોંધાયા હતા. સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાતા જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

આરોગ્ય વિભાગની 30 ટીમો મેદાને

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ અધિકારી ડો. જીતેન, અર્બન હેલ્થ સેન્ટરના ડો. રંગેશ અને સુપરવાઈઝર અધિકારીઓની દેખરેખમાં 30 જેટલી આરોગ્ય ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે. સાથે જ ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેથી પીવાના પાણી દ્વારા ચેપ વધુ ન ફેલાય. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને ગરમીથી પ્રભાવિત લોકોના આરોગ્ય પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે જેથી પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય.

આ પણ વાંચો: અમદાવાદમાં ફાયરિંગ બાદ નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા! : પોલીસ સ્ટેશનમાં હોબાળો કરતા ધક્કા મારીને લોકઅપમાં પૂર્યા, દીકરા-દીકરીની પણ ધરપકડ

પાણીના નમૂના લેવાયા

પ્રાથમિક તપાસ દરમિયાન ઝાડા-ઊલટીના કેસો પાછળ દૂષિત પાણી મુખ્ય કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમોએ નગરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે. આ તમામ વોટર સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન નગરમાં પીવાના પાણીની લાઈનમાં આઠ જેટલી જગ્યાએ લીકેજ હોવાની વિગતો પણ સામે આવી છે.

આ લીકેજના કારણે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે આ અંગે Dabhoi Nagarpalikaને સત્તાવાર જાણ કરી લીકેજ તાત્કાલિક રીપેર કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો: 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ' : નશાકારક પદાર્થ મામલે મનસુખ વસાવાનો પોલીસ પર પ્રહાર

ગરમી અને દૂષિત પાણીથી ફેલાયો રોગચાળાનો ખતરો

ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી ઝડપથી બગડતું હોવાથી ઝાડા-ઊલટી અને પાણીજન્ય રોગોનો ખતરો વધી જાય છે. ખાસ કરીને પાણીની લાઈનમાં લીકેજ હોય ત્યારે ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. ડભોઈમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ખૂબ ઊંચું નોંધાઈ રહ્યું છે. ગરમીના કારણે લોકોમાં ડિહાઈડ્રેશન અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં સ્વચ્છ પાણી અને યોગ્ય ખોરાક ખૂબ મહત્વનો બની જાય છે.

આ પણ વાંચો: ગાંધીનગરને મળી જ્ઞાનની ભેટ : વડસરમાં અત્યાધુનિક લાયબ્રેરીનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, ટોયોટા સાથે કરાયો મોટો કરાર

આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને ઉકાળેલું અથવા ક્લોરિનેશન કરેલું પાણી પીવા, ખુલ્લામાં મળતા ખાદ્ય પદાર્થો ટાળવા અને વાસી ખોરાક ન ખાવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જો કોઈ વ્યક્તિને ઝાડા, ઊલટી, તાવ અથવા પેટમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.

તંત્ર દ્વારા આગામી દિવસોમાં વધુ સઘન સર્વે અને પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખવામાં આવશે. હાલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિને નિયંત્રણમાં હોવાનું જણાવી રહ્યું છે, છતાં સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now