Home Gujarat Ahmedabad Ahmedabad Retired Dysp Ashoksinh Chauhan Firing Case Satellite Police Drama

અમદાવાદમાં ફાયરિંગ બાદ નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા! : પોલીસ સ્ટેશનમાં હોબાળો કરતા ધક્કા મારીને લોકઅપમાં પૂર્યા, દીકરા-દીકરીની પણ ધરપકડ

Retired DySP Firing
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 09:00 AM IST

અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ દ્વારા જમીન વિવાદને લઈને જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત અધિકારીએ ભારે હોબાળો મચાવ્યો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાએ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામાનું રૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેમની માલિકીની જમીનમાં પોલીસની સાઠગાંઠથી ગુંડાઓને ઘૂસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મીડિયા સમક્ષ નિવેદન આપવા પ્રયાસ કરતા પોલીસ અને અશોકસિંહ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી, જેના કારણે પોલીસને તેમને બળજબરીથી લોકઅપમાં મોકલવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સ્ટેશનમાં હોબાળો, લોકઅપમાં ધકેલાયા નિવૃત્ત DySP

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે ભારે હોબાળો કર્યો હતો. મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરવાની કોશિશ દરમિયાન પોલીસે તેમને રોક્યા હોવાનું કહેવાય છે. આ દરમિયાન સ્થાનિક પોલીસ સામે આક્ષેપો કરતાં અશોકસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની જમીનમાં ગેરકાયદેસર રીતે લોકો ઘૂસાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા બે પોલીસ કોન્સ્ટેબલોએ તેમને પકડીને જબરજસ્તી લોકઅપમાં મોકલ્યા હતા.

દીકરા અને દીકરીની પણ ધરપકડ

આ સમગ્ર મામલામાં અશોકસિંહ ચૌહાણના પરિવારના સભ્યો પણ તપાસના ઘેરામાં આવ્યા છે. ઘટનાસ્થળે તેમના પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ અને પુત્રી હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસના ભાગરૂપે બંનેની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગની ઘટના સમયે બંનેની ભૂમિકા અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જમીન કબજો અને ભાડા કરારને લઈને શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, નહેરુનગર બસ સ્ટેન્ડ નજીક આવેલી જગ્યાને લઈને નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને અન્ય પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અશોકસિંહ ચૌહાણ દ્વારા આ જગ્યાનો કબજો પોતાની પાસે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, હિતેશ બારબીડિયા સાથે સમજૂતી કરાર કરીને આ જગ્યા ભાડે આપવામાં આવી હતી. અહીં કાચા બાંધકામના સ્ટોલ ઉભા કરીને તેને “નહેરુનગર પથારા બજાર” નામ આપવામાં આવ્યું હતું અને બાદમાં આ સ્ટોલ અન્ય લોકોને ભાડે અપાતા હોવાનું પણ સામે આવ્યું છે.

AMCની નોટિસ બાદ વધ્યો વિવાદ

આ સમગ્ર મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરમિશન વગર ઉભા કરાયેલા સ્ટોલ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી પક્ષે અશોકસિંહ ચૌહાણ પાસે જમીન સંબંધિત માન્ય દસ્તાવેજો અને આધાર પુરાવા માંગ્યા હતા. આક્ષેપ મુજબ, જરૂરી દસ્તાવેજો રજૂ ન થતા જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે જ ફરિયાદી પક્ષે સ્ટોલ માટે ચૂકવેલી ડિપોઝિટ અને અન્ય ખર્ચની રકમ પરત માંગતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર: ડે.કલેક્ટર, મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી સાથે પ્રમોશન

સમાધાન બેઠક દરમિયાન બગડ્યો મામલો, ફાયરિંગનો આરોપ

માહિતી મુજબ, ગઈકાલે બંને પક્ષ વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી. પરંતુ ચર્ચા દરમિયાન તણાવ વધતાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલ બહાર કાઢી ફાયરિંગ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે અમિત પટેલ, હિતેશભાઈ સહિતના લોકો હાજર હતા અને તેમની તરફ નિશાન બનાવી ગોળીબાર કરાયો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

500 કરોડની જમીન પર સિવિલ વિવાદ પણ ચાલુ

સૂત્રોના જણાવ્યા મુજબ, જે જમીનને લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે તેની અંદાજિત કિંમત આશરે 500 કરોડ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. જમીનના મૂળ માલિક તરીકે પ્રિય મહેતાનું નામ સામે આવ્યું છે, જ્યારે બાદમાં આ જગ્યા અન્ય વ્યક્તિને વેચાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જમીન મામલે બંને પક્ષ વચ્ચે સિવિલ કોર્ટમાં પણ વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ તપાસ બાદ સમગ્ર મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટનો ખતરો વધ્યો!: 207માંથી 147 ડેમ અડધાથી વધુ ખાલી, ચોમાસું મોડું પડ્યું તો વધી શકે મુશ્કેલી

જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગથી મચી ચકચાર

ગઈકાલે (27 મે) સાંજે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદ દરમિયાન નિવૃત્ત DySPએ પોતાના અંગત હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. સદનસીબે ગોળીબારમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ જાહેર સ્થળે થયેલી આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ACP સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું અંગત હથિયાર કબજે કરીને પૂછપરછ શરૂ કરી છે. આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ બાદ નિવૃત્ત DySPને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વિશિષ્ટ સુવિધા આપવામાં આવી હતી. આરોપીને સામાન્ય લોકઅપને બદલે સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, આ મામલે પોલીસ તરફથી સત્તાવાર નિવેદન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now