અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની ઋતુ અંતિમ તબક્કામાં છે, પરંતુ ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે રાજ્ય પર જળસંકટનું મોટું જોખમ મંડરાતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના દર્શાવી છે, પરંતુ આ વર્ષે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર વિસ્તારમાં ચોમાસાની ગતિ ધીમી રહેતાં વરસાદના આગમન અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જો ચોમાસું વધુ વિલંબિત થશે અને જુલાઈ સુધી જળાશયોમાં પાણીની પૂરતી આવક નહીં થાય, તો રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે. રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ પણ ચિંતા વધારનારી છે. પીવાના પાણીથી લઈને ખેતી અને પશુપાલન સુધીની જરૂરિયાતો માટે ડેમો પર ભારે નિર્ભરતા ધરાવતા ગુજરાતમાં હાલ ઘણા ડેમો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પાણીની તંગીનો સામનો કરતા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે.
રાજ્યના 207માંથી 147 ડેમ અડધાથી વધુ ખાલી
ગુજરાતના જળસંગ્રહના તાજેતરના આંકડાઓ રાજ્ય માટે ચિંતાજનક સંકેતો આપી રહ્યા છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 147 ડેમ હાલમાં અડધા કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. માત્ર 12 ડેમ એવા છે જ્યાં 70 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ઉનાળાના છેલ્લા બે મહિનામાં ડેમોમાંથી પાણીનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. સરકારી આંકડા મુજબ, માત્ર બે મહિનામાં જ રાજ્યના જળાશયોમાંથી આશરે 18.46 ટકા પાણીનો ઉપયોગ થઈ ગયો છે, જેના કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ
પાણીની તંગીની સૌથી ગંભીર અસર હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ માત્ર 34.91 ટકા જળસંગ્રહ બાકી રહ્યો છે, જે આશરે 31,915 MCFT જેટલો થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, સૌરાષ્ટ્રના 10 ડેમો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે અને ત્યાં પાણીનો જથ્થો શૂન્ય ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કચ્છના 20 ડેમોમાં પણ પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ગત માર્ચ મહિનાથી જ કચ્છના ડેમોમાં જળસંગ્રહ 40 ટકાથી નીચે સરક્યો હતો, જેમાં હવે વધુ ઘટાડો નોંધાયો છે. હાલમાં કચ્છના ડેમોમાં માત્ર 32.40 ટકા પાણી જ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા સરકારનો મોટો નિર્ણય: જાણો ક્યા રાજ્યમાંથી મંગાવાશે વાઘણ
નર્મદાના પાણી પર વધી નિર્ભરતા
સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 161 ડેમો હાલમાં 65 ટકાથી વધુ ખાલી થઈ ગયા હોવાથી આ વિસ્તારોમાં નર્મદાના પાણી પર નિર્ભરતા વધી રહી છે. પીવાના પાણી અને ખેતી માટે નર્મદા કેનાલ અને સપ્લાય સિસ્ટમ હવે જીવનદોરી સમાન બની રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ સમયસર નહીં આવે તો પાણી વિતરણ અને સપ્લાય વ્યવસ્થાને લઈને પણ સરકાર સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.
નર્મદા ડેમના જળસ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો
રાજ્યની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પણ પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. બે મહિના પહેલાં રાજ્યનો કુલ જળસંગ્રહ 6.02 લાખ MCFT હતો, જે કુલ ક્ષમતાના 67.47 ટકા જેટલો હતો. જોકે હાલમાં તેમાં 13.16 ટકાનો ઘટાડો નોંધાયો છે અને સ્ટોરેજ હવે માત્ર 54.31 ટકા પર આવી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો જૂનના મધ્ય સુધીમાં વરસાદી માહોલ નહીં જામે, તો પીવાના પાણી તેમજ સિંચાઈ માટેની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં ખાડાનો ખતરો યથાવત: બાઈક બાદ હવે ક્રેન પડી ખાડામાં, જાણો પછી શું થયું...
ચોમાસા પર રાજ્યની નજર, વિભાગો એલર્ટ મોડમાં
ચોમાસાના આગમનને લઈને હવે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોની નજર હવામાન પર ટકેલી છે. જળસંપત્તિ વિભાગ અને સ્થાનિક તંત્ર ડેમોની સ્થિતિ પર સતત મોનીટરીંગ કરી રહ્યા છે, જેથી કોઈ ગંભીર સ્થિતિ ઊભી થાય તે પહેલાં જરૂરી આયોજન કરી શકાય. હાલ માટે રાજ્યની આશા હવે સમયસર અને સારા ચોમાસા પર જ ટકી છે.





