Home Gujarat Mansukh Vasava Slams Narmada Police Over Drug Case

'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ' : નશાકારક પદાર્થ મામલે મનસુખ વસાવાનો પોલીસ પર પ્રહાર

મનસુખ વસાવાની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 28, 2026, 09:38 AM IST

નર્મદા જિલ્લાના વરખડ ગામે મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવતા રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે ભરુચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સાંસદ મનસુખ વસાવાએ આ મામલે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે તેમણે થોડા સમય પહેલાં જ નર્મદા જિલ્લામાં ચાલતા દારૂ અને નશાકારક પદાર્થોના ગેરકાયદે ધંધા અંગે પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી હતી. સાથે જ જિલ્લા પોલીસ વડાને પણ આ મુદ્દે ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું તેમણે આરોપ લગાવ્યો હતો.

'મારી રજૂઆત છતાં પોલીસની ઊંઘ ના ઉડી'

મનસુખ વસાવાએ જણાવ્યું કે તેમની રજૂઆત બાદ પણ નર્મદા પોલીસ સતર્ક બની નહોતી. તેમણે કહ્યું કે વરખડ ગામ ખાતે હવે મુંબઈ પોલીસ દ્વારા મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ ઝડપાતા નર્મદા પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ રીતે સામે આવી રહી છે.

સાંસદે સવાલ કર્યો કે આટલું મોટું નશાકારક પદાર્થનું રેકેટ સ્થાનિક પોલીસની નજર બહાર કેવી રીતે રહી શકે? જો બહારની રાજ્યની પોલીસ આવી કાર્યવાહી કરી શકે તો સ્થાનિક પોલીસને અગાઉથી તેની જાણ કેમ ન થઈ, તે મુદ્દે પણ તેમણે ગંભીર શંકા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 'મેં પત્ર લખ્યા બાદ માત્ર એક અઠવાડિયામાં જ ફરી દારૂ અને નશાના ધંધા ધમધમી ઉઠ્યા. આથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે પોલીસ તંત્ર અસરકારક રીતે કામ કરી રહ્યું નથી.'

'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ'

મનસુખ વસાવાએ કડક શબ્દોમાં કહ્યું કે નર્મદા પોલીસની કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે અને સમગ્ર પોલીસ તંત્ર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે તો અહીં સુધી કહી દીધું કે 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ.' તેમના આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પોલીસ તંત્રની કાર્યક્ષમતા, સ્થાનિક સ્તરે ચાલી રહેલા ગેરકાયદે કારોબાર અને તેની સામેની કાર્યવાહી અંગે ફરી ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો: ગીરમાં સિંહબાળના મોત બાદ વન વિભાગ એક્શનમાં : વેક્સિનેશન અને ડી-ટીકિંગ અભિયાન શરૂ, જાણો ગીરના સિંહો પર કઈ બીમારીનો ખતરો

મુંબઈ પોલીસની તપાસ બાદ ખુલ્યો મામલો

મુંબઈ પોલીસ કોઈ ચોક્કસ તપાસના અનુસંધાને નર્મદાના વરખડ ગામ સુધી પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન શંકાસ્પદ નશાકારક પદાર્થ મળતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ આ કેસમાં મુંબઈ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. નશાકારક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો, તેનો સપ્લાય નેટવર્ક શું છે અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે મુદ્દે તપાસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: કેનેડાના વેપારીને લાગ્યો રૂ. 6.18 કરોડનો ચૂનો : અમદાવાદની જય જલારામ સો મિલના 7 ભાગીદારો સામે નોંધાયો ગુનો

જિલ્લામાં ફરી ચર્ચામાં નશાનો કારોબાર

નર્મદા જિલ્લામાં અગાઉ પણ દારૂ અને નશાકારક પદાર્થોના ગેરકાયદે ધંધા અંગે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો સમયાંતરે થતા રહ્યા છે.

સ્થાનિક લોકોમાં પણ હવે પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારનું મોટું રેકેટ બહાર આવતાં પહેલાં જ તોડી પાડવામાં સફળતા મળી શકી હોત. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર વિગતવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now