અમદાવાદ: વિશ્વભરમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે લેવાયેલા પગલાંઓના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. તાજેતરમાં કોંગોથી આવેલા એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ મામલે સરકારના વલણ અંગે સ્પષ્ટતા કરતા પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગભરાવાની કોઈ જરૂર નથી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની નાગરિકોને અપીલ
સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના નાગરિકોને વિનંતી કરતા કહ્યું છે કે, "કોંગોથી આવેલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેથી કોઈ પણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપી છે." પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઇબોલાનો એલર્ટ!: આણંદમાં યુગાન્ડાથી આવેલા બે યુવકો હોમ આઈસોલેશનમાં, આરોગ્ય તંત્ર સતર્ક
આણંદ અને અમદાવાદમાં આરોગ્ય તંત્રનું મોનીટરીંગ
રિપોર્ટ નેગેટિવ હોવા છતાં, સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનો નિર્ણય કર્યો છે અને આફ્રિકાના યુગાન્ડા, કોંગો તથા સાઉથ સુદાન જેવા દેશોમાંથી પરત ફરી રહેલા મુસાફરો માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સુરક્ષાત્મક પગલાંઓના ભાગરૂપે, આણંદ જિલ્લાના ગામડી અને બોરસદ વિસ્તારના બે યુવકો કે જેઓ તાજેતરમાં યુગાન્ડાથી પરત ફર્યા છે, તેમને તંત્ર દ્વારા 21 દિવસના હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે, અમદાવાદના થલતેજ અને જોધપુર વિસ્તારમાં રહેતા 11 જેટલા મુસાફરો પણ આરોગ્ય વિભાગના સતત મેડિકલ મોનીટરીંગ હેઠળ છે. હાલ આ તમામ મુસાફરો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનામાં ઇબોલાને લગતા કોઈ પણ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી, તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ અને નવી વ્યવસ્થા
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરોગ્ય વિભાગે પોતાની કામગીરી વધુ સઘન બનાવી છે. ખાસ કરીને પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર 24x7 વિશેષ આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે. હવે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ' (SDF) ભરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેથી સંક્રમણના જોખમને મૂળમાંથી જ અટકાવી શકાય.
આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી ખતરનાક ઇબોલાનો પહેલો કેસ: તાત્કાલિક દર્દીને કરાયો અલગ , સિવિલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર
હોસ્પિટલોમાં ખાસ તૈયારીઓ
કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે:
SVP હોસ્પિટલ: અહીં 60 બેડનો અલગ ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ: અહીં વિશેષ ઇબોલા વોર્ડની સાથે 24 કલાક માટે તબીબી નિષ્ણાતોની ટીમ અને જરૂરી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.





