અમદાવાદ શહેરમાં ATM પર રૂપિયા ઉપાડવા આવતા લોકોને વાતોમાં ફસાવી તેમનું ATM કાર્ડ બદલી નાંખી ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર હરિયાણાના બે શાતિર ઠગોને ઇસનપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ સાથે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 10 છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આ સમગ્ર કેસમાં આરોપીઓ ATMમાં પૈસા ઉપાડવા આવેલા લોકોને નિશાન બનાવતા હતા. તેઓ પહેલા ગ્રાહકનો ATM PIN નંબર ચોરીથી જોઈ લેતા અને ત્યારબાદ વાતોમાં ભટકાવી મૂળ કાર્ડ બદલી નાંખતા હતા. પછી તે કાર્ડનો ઉપયોગ કરીને રોકડ ઉપાડવી તેમજ ખરીદી કરીને ખાતામાંથી મોટી રકમ સાફ કરી દેતા હતા.
ગોવિંદવાડીના ATM પરથી શરૂ થઈ તપાસ
મળતી માહિતી અનુસાર, 21 માર્ચ 2026ના રોજ ગોવિંદવાડી વિસ્તારમાં આવેલી Punjab National Bankના ATM પર ફરિયાદી રૂપિયા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીની પાછળ ઉભા રહી ATMનો PIN નંબર જોઈ લીધો હતો.
ત્યારબાદ આરોપીઓએ વાતચીતમાં ફરિયાદીને વ્યસ્ત રાખી તેમનું ATM કાર્ડ બદલી નાંખ્યું હતું. બાદમાં તે કાર્ડનો ઉપયોગ કરીને સોનાની ખરીદી તેમજ ATMમાંથી રોકડ ઉપાડી કુલ રૂ. 1.80 લાખની છેતરપિંડી આચરી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ માટે આ કેસ પડકારજનક હતો કારણ કે આરોપીઓ અત્યંત ચાલાકીપૂર્વક અલગ-અલગ વિસ્તારોમાં ગુનાઓ આચરી રહ્યા હતા.
CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
ઈસનપુર પોલીસ સ્ટેશનના PI બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI સી.એલ. રબારી અને સર્વેલન્સ સ્ટાફે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ, મોબાઇલ CDR અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ હરિયાણાના હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે શહેરના વિવિધ ATM પર ગુપ્ત વોચ ગોઠવી હતી. અંતે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
DCP ઝોન-6 Bhagirath Gadhviએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓની ઓળખ રવિ હોંશિયારસિંહ કુમાર અને સંજય પ્રેમસિંહ સૈની તરીકે થઈ છે. બંને હરિયાણા રાજ્યના રહેવાસી છે અને દેશના વિવિધ રાજ્યોમાં ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
લાખોનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 34 હજાર રોકડા, વિવિધ બેંકોના 28 ડેબિટ કાર્ડ, ગુનામાં વપરાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને બે એપલ આઈફોન મળી કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદના ઇસનપુર, વેજલપુર, સરખેજ અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 10 છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા છે.
આરોપી સંજય સામે ગોવાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આરોપીઓના જૂના ગુનાહિત રેકોર્ડ, અન્ય રાજ્યોમાં સંડોવણી અને તેમની ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : ડે.કલેક્ટર, મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી સાથે પ્રમોશન
ATM વપરાશકર્તાઓ માટે ચેતવણી સમાન કેસ
આ કેસ ફરી એકવાર ATM વાપરતા લોકો માટે ચેતવણી સમાન બન્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ATMમાં રૂપિયા ઉપાડતી વખતે પાછળ ઉભેલા અજાણ્યા લોકો પર ખાસ નજર રાખવી જોઈએ અને PIN નંબર દાખલ કરતી વખતે કીપેડ ઢાંકી દેવું જોઈએ.
અવારનવાર આવી ગેંગો વૃદ્ધો, મહિલાઓ અને ઓછી ટેક્નિકલ જાણકારી ધરાવતા લોકોને નિશાન બનાવતી હોય છે. ATM કાર્ડ બદલાઈ ગયું છે કે નહીં તેની પણ તરત ચકાસણી કરવી જરૂરી છે. ઈસનપુર પોલીસની સતર્કતા અને ટેક્નિકલ તપાસના આધારે આ ગેંગનો પર્દાફાશ થતા અનેક લોકો સાથે થયેલી ATM છેતરપિંડીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.





