ગુજરાતના ગીરનાં જંગલમાં વસતા એશિયાટિક સિંહોને લઈને ફરી એક વખત ચિંતા ઊભી થઈ છે. ગીર વિસ્તારમાં સિંહોમાં CDV (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબેસિયા જેવા રોગચાળાની આશંકા વચ્ચે વનવિભાગ હાઈએલર્ટ પર આવી ગયું છે. ખાસ કરીને ગીર પૂર્વના વેરાવળ રેન્જ વિસ્તારમાં 20થી વધુ સિંહોનું સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.
વનવિભાગ દ્વારા દિવસ-રાત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટ્રેકર્સ, બીટ ગાર્ડ તેમજ અધિકારીઓની ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. ચોરવાડથી લઈને મૂળદ્વારકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની હલચલ અને આરોગ્ય પર સઘન નજર રાખવામાં આવી રહી છે.
CDV અને બેબેસિયાથી તંત્ર સજ્જ
વનવિભાગના સૂત્રો મુજબ, સિંહોમાં ફેલાતા કેટલાક વાયરસ અને પરજીવીજન્ય રોગોને લઈને સાવચેતીના ભાગરૂપે સમગ્ર મોનીટરીંગ વધારવામાં આવ્યું છે. ખાસ કરીને CDV વાયરસ અગાઉ ગીરના સિંહો માટે ગંભીર ખતરો સાબિત થઈ ચૂક્યો છે. CDV એટલે કે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ શ્વાનવંશીય પ્રાણીઓમાં ફેલાતો ચેપજન્ય રોગ છે, જે સિંહોમાં પણ ગંભીર અસર કરી શકે છે. બીજી તરફ બેબેસિયા પરજીવીજન્ય ચેપ છે, જે લોહી સંબંધિત તકલીફો ઉભી કરી શકે છે. અગાઉ ગીરમાં કેટલાક સિંહોના મોત બાદ આ પ્રકારના વાયરસ અને ચેપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ હતી. જેના પગલે હવે વનવિભાગ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી.
'વેરાવળ રેન્જના તમામ સિંહ હાલ તંદુરસ્ત'
વેરાવળ રેન્જનાં ACF યોગેશ કલસરીયાએ જણાવ્યું કે, હાલ વેરાવળ રેન્જના તમામ સિંહો તંદુરસ્ત છે અને કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે દરેક સિંહની ગતિવિધિ, ખોરાક અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ટ્રેકર્સ દ્વારા સિંહોના મૂવમેન્ટ અને વર્તનનું દૈનિક રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ' : નશાકારક પદાર્થ મામલે મનસુખ વસાવાનો પોલીસ પર પ્રહાર
જરૂર પડે તો રસીકરણ માટે તૈયારી
વનવિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો પરિસ્થિતિ ગંભીર બનશે તો સિંહોના રસીકરણ માટે પણ સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. પશુચિકિત્સકોની વિશેષ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. જંગલમાં વસતા સિંહો માટે રોગચાળો ખૂબ જ જોખમી બની શકે છે કારણ કે જૂથમાં રહેતા પ્રાણીઓમાં ચેપ ઝડપથી ફેલાવાની શક્યતા રહે છે. તેથી શરૂઆતના તબક્કે જ મોનીટરીંગ અને પ્રિવેન્શન ખૂબ મહત્વપૂર્ણ બને છે.
ગીરના સિંહો ગુજરાતની ઓળખ
ગીર નેશનલ પાર્કમાં વસતા એશિયાટિક સિંહો માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર કુદરતી વસતિ ગીરમાં જ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે, પરંતુ સાથે રોગચાળો, માનવ વસાહતો નજીક વધતી હલચલ અને પર્યાવરણીય પડકારો પણ વધી રહ્યા છે. જેના કારણે વનવિભાગ માટે સિંહોના સંરક્ષણની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
યુદ્ધના ધોરણે કામગીરી
વનવિભાગે હાલ સમગ્ર ગીર વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરી દીધું છે. તમામ ફિલ્ડ સ્ટાફને સતત સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બીમાર અથવા અસામાન્ય વર્તન ધરાવતા સિંહો અંગે તરત જ માહિતી આપવા માટે અલગ મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. વનરાજને સુરક્ષિત રાખવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ સતત સર્વેલન્સ અને આરોગ્ય ચકાસણી ચાલુ રહેશે.






