Home Gujarat Narmada Varkhad Village Suspicious Chemicals Mumbai Police Operation

નર્મદાના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસનું સંયુક્ત ઓપરેશન : સંદીગ્ધ કેમિકલ્સ જપ્ત

સંદીગ્ધ કેમિકલ્સ જપ્ત
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 28, 2026, 10:01 AM IST

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નશાકારક પદાર્થો અંગે મળેલી બાતમીના આધારે પોલીસે ગામમાં દરોડા પાડી મોટી માત્રામાં સંદીગ્ધ કેમિકલ્સ કબ્જે કર્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન FSL અને ATSની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી.

મળતી માહિતી મુજબ, વરખડ ગામમાં સુધીર પટેલના નિવાસસ્થાને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વિવિધ પ્રકારના કેમિકલ્સ મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ ટેમ્પોમાં ભરી કબ્જે કર્યો હતો. ગામમાં અચાનક પોલીસના મોટા કાફલા પહોંચતા સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા અને ચર્ચા જોવા મળી હતી.

FSL અને ATS દ્વારા કેમિકલ્સની તપાસ

કાર્યવાહી દરમિયાન Forensic Science Laboratory અને Anti-Terrorism Squadની ટીમોએ સ્થળ પર પહોંચી કેમિકલ્સના નમૂનાઓની સઘન તપાસ હાથ ધરી હતી. સૂત્રો મુજબ, મળેલા કેમિકલ્સનો ઉપયોગ નશાકારક પદાર્થો બનાવવામાં થતો હોવાની આશંકાને આધારે ચકાસણી કરવામાં આવી રહી હતી. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ ડ્રગ્સ અથવા પ્રતિબંધિત નશાકારક પદાર્થોની હાજરી મળી આવી નથી. તેમ છતાં, પોલીસે તમામ કેમિકલ્સના નમૂનાઓ વધુ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલી આપ્યા છે જેથી તેમની ચોક્કસ પ્રકૃતિ અને ઉપયોગ અંગે સ્પષ્ટતા થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે યુવતીનું અપહરણ : ઘરમાં ઘૂસીને સાસુ સામે જ વહુને ક્રેટામાં ઉઠાવી ગયા, ચોંકવાનારા CCTV આવ્યાં સામે

2 દિવસથી સતત પોલીસની દોડધામ

વરખડ ગામમાં મુંબઈ પોલીસની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. ગામમાં અનેક સ્થળોએ તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક લોકો પાસેથી પણ કેટલીક માહિતી એકત્ર કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે મુંબઈ પોલીસને કોઈ ચોક્કસ ઇનપુટ અથવા ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે તપાસના મુખ્ય કારણ અંગે વિગત જાહેર કરી નથી.

વરખડ ગામમાં મોટી માત્રામાં કેમિકલ્સ મળતાં સમગ્ર નર્મદા જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને અગાઉ પણ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે ઉઠેલા સવાલો વચ્ચે આ કાર્યવાહી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ' : નશાકારક પદાર્થ મામલે મનસુખ વસાવાનો પોલીસ પર પ્રહાર

નર્મદા પોલીસ પર ફરી સવાલો

આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે નર્મદા પોલીસની કામગીરી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. કારણ કે બહારની રાજ્યની પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી થતાં સ્થાનિક ગુપ્તચર તંત્ર અને પોલીસની સતર્કતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ જિલ્લામાં દારૂ અને નશાકારક પદાર્થોના ગેરકાયદે ધંધા અંગે રાજકીય અને સામાજિક સ્તરે અનેકવાર સવાલો ઉઠી ચૂક્યા છે. હવે વરખડ ગામે મળેલા સંદીગ્ધ કેમિકલ્સ બાદ ફરી પોલીસ તંત્ર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

આ પણ વાંચો: ડભોઈમાં કાળઝાળ ગરમી વચ્ચે ઝાડા-ઊલટીનો પ્રકોપ : આરોગ્ય વિભાગની 30 ટીમો મેદાને

તપાસ બાદ જ થશે સ્પષ્ટતા

હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર મામલે સાવચેતીપૂર્વક તપાસ આગળ ધપાવી રહી છે. મળેલા કેમિકલ્સનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો, તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે મુદ્દે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે કે પ્રાથમિક ચકાસણીમાં ડ્રગ્સની હાજરી મળી નથી, પરંતુ FSLની અંતિમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now