Home Gujarat Vadodara Vadodara Youth Kidnapped Assaulted Nude Video Case

વડોદરામાં યુવકના કપડાં કાઢી હેવાનોએ કરેલી હેવાનિયતનો કેસ : યુવકનું અપહરણ કરી નિર્વસ્ત્ર વીડિયો ઉતારનાર 4 આરોપી ઝડપાયા, 2 ફરાર

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 27, 2026, 12:47 PM IST

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના પોશ ગણાતા સનફાર્મા રોડ વિસ્તારમાં માત્ર મોબાઇલ ફોન પરત માંગવાની સામાન્ય બાબતમાં 20 વર્ષીય યુવકનું અપહરણ કરી તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકને કારમાં બેસાડી ઢોર માર મારવામાં આવ્યો, કપડા ઉતારી નિર્વસ્ત્ર વીડિયો બનાવાયો અને લૂંટ ચલાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

મોબાઈલ ફોન મુદ્દે શરૂ થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ વડોદરાના સનફાર્મા રોડ પર આવેલા પાર્વતીનગરમાં રહેતા હેતરાજસિંહ બારીયાના મિત્ર શિવાંશ શુકલાનો મોબાઇલ ફોન આશરે દસ મહિના પહેલાં નીલ સહાની નામના શખ્સે દાદાગીરી કરીને લઈ લીધો હતો. હેતરાજસિંહે ઇન્સ્ટાગ્રામ મારફતે નીલ સહાનીનો સંપર્ક કરી મોબાઇલ પરત આપવા જણાવ્યું હતું. આ મુદ્દે અદાવત રાખીને પ્રતિકસિંહ રાજપુત નામના શખ્સે હેતરાજસિંહને ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: વડોદરામાં યુવકના કપડાં કાઢી 6 હેવાનોએ પાર કરી હેવાનિયતની હદ : ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો, પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

મધરાતે યુવકનું અપહરણ

ફરિયાદ મુજબ 7 જૂન 2025ની મધરાત્રિએ હેતરાજસિંહ મિત્રના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રોક્યો હતો. બંનેએ યુવકને બળજબરીપૂર્વક સ્કૂટર પર બેસાડી સનફાર્મા રિંગ રોડ નજીક ભારત પેટ્રોલ પંપ પાસે લઈ ગયા હતા, જ્યાં નીલ સહાની, પ્રતિકસિંહ રાજપુત, મનોજ યાદવ અને તરુણ યાદવ કાર લઈને હાજર હતા. ત્યારબાદ હેતરાજસિંહને કારમાં બેસાડી બિલ કેનાલ રોડ તરફ લઈ જવાયો હતો.

આ પણ વાંચો: વડોદરાનાં કારેલીબાગ વિસ્તારના લોકોને રહેવું પડશે પાણી વગર : જાણો ક્યારે અને કેમ પાણી માટે મારવા પડશે વલખા

ઢોર માર, નિર્વસ્ત્ર વીડિયો બનાવી લૂંટ

ફરિયાદમાં જણાવ્યા મુજબ બિલ કેનાલ રોડ વિસ્તારમાં પહોંચ્યા બાદ પ્રતિકસિંહ રાજપુતે લાકડાના દંડાથી યુવક પર હુમલો કર્યો હતો. અન્ય આરોપીઓએ પણ યુવકને માર માર્યો હતો. આટલેથી જ આરોપીઓ અટક્યા નહોતા. યુવકના કપડા ઉતારી તેનો નિર્વસ્ત્ર વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. સાથે જ યુવકનો મોબાઇલ ફોન અને પાકીટમાંથી અંદાજે ₹2000 રોકડ પણ લૂંટી લેવામાં આવી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને શહેરમાં વધી રહેલા ગુનાખોરીના બનાવોને લઈને ચિંતા વધારી છે.

ધમકીથી ગભરાઈ બે દિવસ મિત્રના ઘરે છુપાયો

ફરિયાદ અનુસાર આરોપીઓએ ભીમતળાવ ચોકડી પાસે યુવકને ઉતારી ધમકી આપી હતી કે જો તેણે પોલીસ ફરિયાદ કરી અથવા પરિવારને જાણ કરી તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ ધમકીઓથી ગભરાયેલો હેતરાજસિંહ સીધો ઘરે જવાને બદલે બે દિવસ સુધી મિત્રના ઘરે છુપાઈ રહ્યો હતો. બીજી તરફ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આખરે યુવકે હિંમત ભેગી કરી પરિવારને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ત્યારબાદ માતા સાથે અટલાદરા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: કડીમાં સગીર દીકરીને બળજબરીથી પરણાવવાનો પ્રયાસ : પિતાએ માતા સામે નોંધાવી ફરિયાદ

4 આરોપીઓ ઝડપાયા, 2 ફરાર

  • ગુનાના મુખ્ય આરોપીઓ

  • પ્રતિકસિંહ રાજપુત

  • નીલ સહાની

  • મિશ્રા

  • આકાશ થાપા

  • મનોજ યાદવ

  • તરુણ યાદવ

મિશ્રા અને આકાશ થાપા છે ફરાર. અટલાદરા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ અગાઉ મારામારી, ફાયરિંગ અને હત્યા જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલા છે.

શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ

વડોદરા જેવા શાંત અને સંસ્કારી ગણાતા શહેરમાં યુવકનું અપહરણ કરી આ પ્રકારની હેવાનિયતભરી ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શહેરના પોશ વિસ્તારોમાં પણ ગુનેગારો હવે બેફામ બનતા જઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ આગળ ધપાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now