વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ પાણીની ટાંકી હેઠળ આવતા વિસ્તારોના નાગરિકો માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 29 મે, 2026ના રોજ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે અથવા નિયમિત સમય કરતાં ઘણો મોડો મળશે. ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની માંગમાં વધારો રહેતા પાલિકા તંત્રએ નાગરિકોને અગાઉથી જ પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કારેલીબાગ રસ/ડી સબ-સ્ટેશન ખાતે પૂર્વનિયોજિત વીજ શટડાઉન હાથ ધરવામાં આવશે. આ શટડાઉનના કારણે કારેલીબાગ પાણીની ટાંકી ખાતે સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વીજ પુરવઠો ખોરવાતા હાઈપ્રેશર પમ્પિંગ મશીનરી કાર્યરત રહી શકશે નહીં, જેના સીધા પરિણામે પાણી વિતરણ વ્યવસ્થામાં વિલંબ સર્જાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : કાલુપુર ફ્લાયઓવર ઉપર વાયાડક્ટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ
અનેક વિસ્તારોમાં સમયસર પાણી નહીં મળે
પાલિકાની યાદી મુજબ સવારના પાણી વિતરણ ઝોનમાં આવતા કલાકુંજ સોસાયટી, વૃંદાવન, કૃષ્ણલીલા સોસાયટી, આમ્રપાલી, મુખ્યમંત્રી આવાસ, ફતેપુરા, અમિતનગર, અજિતાનગર અને ભાવનાપાર્ક જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો નિર્ધારિત સમયસર થઈ શકશે નહીં.
સ્થાનિક રહીશો માટે ખાસ કરીને સવારના સમયે ઘરગથ્થુ કામકાજ, પીવાનું પાણી અને દૈનિક ઉપયોગ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઉનાળાની ગરમી વચ્ચે પાણી પુરવઠામાં થતો વિલંબ નાગરિકો માટે વધારાની મુશ્કેલી ઉભી કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલિકા તંત્રએ જણાવ્યું છે કે વીજ પુરવઠો પુનઃ શરૂ થયા બાદ પણ પમ્પિંગ અને વિતરણ પ્રક્રિયાને સામાન્ય સ્થિતિમાં આવવામાં સમય લાગશે, જેના કારણે પાણી પહોંચવામાં મોડું થઈ શકે છે.
આ પણ વાંચો: દાહોદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : હથિયારધારી 6 શખ્સે કરેલી ₹1.40 કરોડની લૂંટ CCTVમાં કેદ
સાંજે પણ પાણી ઓછા પ્રેશરથી આવશે
આ ઉપરાંત સાંજના ઝોન હેઠળ આવતા જ્યોતીપાર્ક, આનંદનગર, સુવિધાપાર્ક, બ્રાઈટ સ્કૂલવાળો ખાંચો, દીપિકા સોસાયટી, શાંતિપાર્ક, અંબાલાલપાર્ક, આર્યકન્યા, રણછોડપાર્ક, સોનલપાર્ક, જયગાયત્રીનગર અને અયોધ્યાનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી મોડું અને ઓછા દબાણથી મળવાની શક્યતા છે.
પાલિકાના જણાવ્યા પ્રમાણે, પાણી પુરવઠાની સમગ્ર વ્યવસ્થા વીજ પુરવઠા પર આધારિત હોવાથી શટડાઉન પૂર્ણ થયા પછી પણ રિઝર્વોઈરમાં પાણી ભરવાની અને વિતરણ શરૂ કરવાની પ્રક્રિયામાં સમય લાગી શકે છે. જેના કારણે નાગરિકોને નિયમિત સમય કરતાં લાંબી રાહ જોવી પડી શકે છે.
પાલિકાની નાગરિકોને સહકાર આપવા અપીલ
વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ગુરુવારથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખે જેથી શુક્રવારે દૈનિક જીવનમાં મુશ્કેલી ન પડે. ખાસ કરીને પીવાનું પાણી, રસોઈ અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે અગાઉથી તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પાલિકાએ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને મર્યાદિત ઉપલબ્ધ પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પણ અપીલ કરી છે. સાથે જ વહીવટી તંત્રને સહકાર આપવા અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સ્તરે પાણી પુરવઠો સામાન્ય કરવા માટે મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો સતત સંકલન કરી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.





