Home Gujarat Dahod Apmc Angadia 1 40 Crore Armed Robbery

દાહોદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : હથિયારધારી 6 શખ્સે કરેલી ₹1.40 કરોડની લૂંટ CCTVમાં કેદ

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 27, 2026, 05:51 AM IST

દાહોદ શહેરના વ્યસ્ત અને વેપારી દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા APMC માર્કેટ વિસ્તારમાં ફિલ્મી ઢબે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધો છે. વર્ષો જૂની અને જાણીતી આંગડિયા પેઢી ‘પટેલ બાબુ કાંતિલાલ’ના કર્મચારીને નિશાન બનાવી હથિયારધારી લૂંટારૂઓએ આશરે ₹1.40 કરોડની રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વેપારીઓમાં ભારે ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે.

આંગડિયા પેઢીનો કર્મચારી રોજિંદા વ્યવહારનું કામ પૂર્ણ કરીને રોકડ રકમથી ભરેલો થેલો લઈને APMC વિસ્તાર નજીક આવેલા વેરહાઉસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પહેલેથી જ હથિયારધારી શખ્સો ઉભા હતા કર્મચારી પર હથિયારધારી શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ઝડપી અને આયોજનબદ્ધ હતો કે કર્મચારીને કોઈ જ પરકારનો મોકો પણ મળ્યો નહોતો.

2 બાઈક પર આવેલા 6 લૂંટારૂઓ મિનિટોમાં ફરાર

આશરે 6 જેટલા શખ્સો નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટર સાઈકલ પર આવ્યા હતા. આરોપીઓએ કર્મચારીને આંતરીને તેના પર ઝપાઝપી કરી હતી અને રોકડ ભરેલો થેલો છીનવી લીધો હતો. ઘટનામાં કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

લૂંટારૂઓએ સમગ્ર ઘટનાને માત્ર ગણતરીની મિનિટોમાં અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ તમામ શખ્સો બાઈક પર અત્યંત ઝડપથી ફરાર થઈ ગયા હતા. બનાવ એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ APMC વિસ્તાર અને વેપારી મંડળોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે. વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે દિવસના સમયે જ જો આવી રીતે કરોડોની લૂંટ થઈ શકે તો સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

આ પણ વાંચો: વડોદરામાં યુવકના કપડાં કાઢી 6 હેવાનોએ પાર કરી હેવાનિયતની હદ : ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો, પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

CCTV ફૂટેજના આધારે તપાસ તેજ

આ સમગ્ર લૂંટની ઘટના આસપાસમાં લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં આરોપીઓ બાઈક પર આવતા, હુમલો કરતા અને ત્યારબાદ ભાગતા નજરે પડતા દેખાય છે. પોલીસ હાલમાં CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં DySP, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી જાહેર કરી તમામ મુખ્ય માર્ગો અને બહાર જતાં રૂટ પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા નજીકના ટોલ નાકા, પેટ્રોલ પંપ અને માર્ગો પર લાગેલા CCTV કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા તેની ચોક્કસ માહિતી મળી શકે.

આ પણ વાંચો: કચ્છના દરિયામાં 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગુજરાત ATS-કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી

સત્તાવાર ફરિયાદ બાદ જ રકમનો ચોક્કસ આંકડો સ્પષ્ટ થશે

પોલીસના સત્તાવાર સૂત્રો અનુસાર, હાલ આંગડિયા પેઢી તરફથી લેખિત ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ લૂંટાયેલી રકમ આશરે ₹1.40 કરોડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે સત્તાવાર રીતે ચોક્કસ રકમનો ખુલાસો ફરિયાદ નોંધાયા બાદ અને હિસાબી ચકાસણી પૂર્ણ થયા પછી જ થશે.

તપાસ એજન્સીઓ માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આરોપીઓને રોકડ રકમ અંગે પૂર્વ માહિતી હતી કે નહીં. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે લૂંટ પૂર્વનિયોજિત હતી કે તેમાં કોઈ આંતરિક માહિતીનો ઉપયોગ થયો હતો.

આ પણ વાંચો: વડોદરામાં માનવતા મરી પરવારી : સગાં ન આવતાં લાચાર પત્નીએ ખુલ્લા પ્લોટમાં જ પતિના શવને ગોદડું ઓઢાડી સળગાવ્યું!

સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

દાહોદના વેપારી વર્તુળોમાં આ ઘટના બાદ ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. APMC વિસ્તાર અગાઉ પણ નાની-મોટી ચોરી અને ગુનાખોરી માટે ચર્ચામાં રહ્યો છે, પરંતુ દિવસના સમયે આટલી મોટી રકમની સશસ્ત્ર લૂંટની ઘટના પહેલીવાર સામે આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે આંગડિયા પેઢીઓ અને મોટા રોકડ વ્યવહાર કરતા વેપારીઓ માટે પૂરતી પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે. વેપારી સંગઠનો દ્વારા પણ પોલીસ તંત્ર સમક્ષ વધારાની સુરક્ષા અને ઝડપી ગુનાખોરી નિયંત્રણની માંગ ઉઠી શકે છે. હાલ સમગ્ર જિલ્લાની પોલીસ આરોપીઓને ઝડપવા માટે સતત દોડધામ કરી રહી છે. CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ તેજ બનાવાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now