વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં હૃદય કંપાવી દેતી અને માનવતાને ઝંઝોળી નાખતી એક દર્દનાક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર આવેલા ડી-માર્ટ પાછળ ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા અને ભંગાર વીણીને ગુજરાન ચલાવતા મહેશ રાઠોડીયા નામના આધેડનું અસહ્ય ગરમી અને દારૂની લતને કારણે મોત નીપજ્યું હતું. મૂળ ડભોઇના બહેરામપુરા ગામના મહેશે વર્ષો પહેલાં જશોદાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
ઝૂંપડાની સામે જ પતિના મૃતદેહને આપ્યો અગ્નિદાહ
પતિના અવસાન બાદ પત્ની જશોદાબેને તેમના સગાઓને આ અંગે જાણ કરી હતી. તેઓ આખો દિવસ અને મોડી રાત સુધી સગાંવ્હાલાઓની રાહ જોતા બેસી રહ્યા હતા, પરંતુ કોઈ ફરક્યું નહોતું. ગરમીના કારણે મૃતદેહ કોહવાઈ ગયો હતો અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી તેમજ મોઢામાંથી જીવડાં નીકળવા માંડ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈ લાચાર અને અજ્ઞાન પત્ની ગભરાઈ ગઈ હતી. કોઈ વિકલ્પ ન દેખાતા આખરે તેમણે કોઈની પણ સલાહ લીધા વિના, ઝૂંપડાની સામે જ પતિના મૃતદેહ પર ગોદડી (ગોદડું) મૂકીને તેને અગ્નિદાહ આપી દીધો હતો.
આ પણ વાંચો: એશિયામાં આ દેશના લોકો છે સૌથી ઓછા બુદ્ધિશાળી : એકદમ લો છે IQ; જાણો કેટલામાં નંબરે છે ભારત
બીજા દિવસે સવારે મૃતકની માતા લક્ષ્મીબેન અને પોરથી તેમની ભત્રીજી વિદ્યા સહિતના સગાઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને હચમચી ગયા હતા. મહેશનો મૃતદેહ અડધી બળેલી હાલતમાં પડ્યો હતો. આ કાળજું કંપાવનારા દ્રશ્યને જોઈને પત્ની અને માતાના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સગાઓએ તાત્કાલિક આ અંગે પાણીગેટ પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં મહેસાણાની મેઘનાબેન પટેલની હત્યામાં નવો ખુલાસો : આરોપીએ પહેલાં સાવકા પિતાનો જીવ લીધો પછી જે કર્યું...
માહિતી મળતા જ પાણીગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અડધા બળેલા મૃતદેહના અવશેષોને કબજે લઈ, સગાઓની હાજરીમાં ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે લઈ જઈને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના વિધિવત અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. પાણીગેટ પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને સમાજની સંવેદનશીલતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.





