અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની મેઘનાબેન ઉપેન્દ્રભાઈ પટેલની ગોળી મારી કરાયેલી હત્યાના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં માત્ર સ્ટોરમાં થયેલી ફાયરિંગની ઘટના તરીકે જોવાતો આ બનાવ હવે ડબલ મર્ડર અને આત્મહત્યાની ભયાનક ઘટનામાં ફેરવાયો હોવાનું સ્થાનિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી યુવકે પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ સ્ટોરમાં ઘુસી મેઘનાબેન પટેલ પર ગોળીબાર કર્યો હતો. આખી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
23 મે, 2026ના રોજ સવારે વર્જિનિયામાં આવેલા સ્ટોરમાં રોજિંદા કામકાજ દરમિયાન મેઘનાબેન હાજર હતા. તે દરમિયાન મોઢા પર બુકાની બાંધેલો એક યુવક સ્ટોરમાં પ્રવેશ્યો હતો. સુરક્ષાના હેતુસર મેઘનાબેને યુવકને ચહેરા પરથી બુકાની હટાવવા માટે જણાવ્યું હતું. સામાન્ય લાગતી આ વાતે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તરત જ પોતાની પાસે રહેલી બંદૂક બહાર કાઢી એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પાંચ રાઉન્ડ ફાયરિંગથી સ્ટોરમાં મચી અફરાતફરી
ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તાર દચી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મેઘનાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટોરમાં હાજર લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને નજીકમાં વેપાર કરતા ભારતીય સમુદાયના સભ્યો ઘટના બાદ ભારે આઘાતમાં આવી ગયા હતા.
વર્જિનિયામાં જ રહેતી અને નજીકમાં સ્ટોર ધરાવતી એક ગુજરાતી મહિલાએ નામ ન આપવાની શરતે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ આરોપી યુવક છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતા અને ઉગ્ર સ્વભાવ માટે ઓળખાતો હતો. ઘટનાના દિવસે પણ તે અત્યંત આક્રમક સ્થિતિમાં હતો.
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ યુવકે સ્ટોરમાં પહોંચતા પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી હત્યા કરી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જે બાદ આરોપીએ નિયંત્રણ ગુમાવી દીધું હતું. પિતાની હત્યા કર્યા બાદ તે સીધો નજીકના સ્ટોર તરફ દોડી ગયો હતો, જ્યાં મેઘનાબેન પટેલ કામ કરતા હતા.
આ પણ વાંચો: પ્લેન ક્રેશ વાળી જગ્યા પર બનશે 51 કરોડની સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ : આરોગ્ય વિભાગની મંજૂરી, જાણો કેવી હશે સુવિધા
પિતાની હત્યા બાદ સીધો સ્ટોરમાં પહોંચ્યો આરોપી
સ્થાનિક પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આરોપી તે સમયે સંપૂર્ણપણે અસંતુલિત માનસિક સ્થિતિમાં હતો. સ્ટોરમાં પ્રવેશ્યા બાદ કોઈ લૂંટફાટ અથવા અન્ય ઉદ્દેશ્ય વિના તેણે સીધું જ મેઘનાબેન પર ગોળીબાર શરૂ કર્યો હતો. આથી તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે હુમલો પૂર્વનિયોજિત નહોતો પરંતુ આરોપીની માનસિક અસ્થિરતાનું પરિણામ હતો.
ઘટનાના CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. ફૂટેજમાં બુકાનીધારી યુવક સ્ટોરમાં પ્રવેશતો જોવા મળે છે. તે થોડો સમય આસપાસ નજર ફેરવે છે અને પછી કમરના ભાગમાંથી હથિયાર કાઢીને ધડાધડ ફાયરિંગ શરૂ કરે છે. ફાયરિંગ બાદ આરોપી ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર દૃશ્યે ભારતીય સમુદાયમાં ભય અને ચિંતા વધારી દીધી છે.
પોલીસ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને આરોપીના પરિવારજનોના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢને ટ્રાફિક જામથી મળશે મોટી રાહત : ગ્રોફેડ ખાતે નવા રેલવે સ્ટેશનને મળી મંજૂરી
હત્યા બાદ આરોપીએ કરી આત્મહત્યા
બે હત્યાઓને અંજામ આપ્યા બાદ આરોપી પોતાની સોસાયટી તરફ ભાગ્યો હતો. જોકે, પોલીસ દ્વારા ઝડપાઈ જવાની ભીતિ કે પછી ઘટનાને લઈને ગ્લાનિ અનુભવતા તેણે પોતાની જ બંદૂક લમણે મૂકી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટનાસ્થળેથી હથિયાર સહિતના મહત્વના પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાએ વર્જિનિયામાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયને હચમચાવી દીધા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે. ગામમાં રહેતા પરિવારજનો અને સગાસંબંધીઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
મેઘનાબેન પટેલ છેલ્લા લગભગ દસ વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ વર્જિનિયામાં સ્ટોરમાં નોકરી કરતા હતા અને પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યા હતા. તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશીબેન અને પુત્ર સ્મિત અમેરિકામાં જ રહે છે, જ્યારે તેમના માતા-પિતા કરસનભાઈ પટેલ અને કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં સુરક્ષા કડક : હથિયારબંધીથી લઈને ડ્રોન પ્રતિબંધ સુધી અનેક જાહેરનામા અમલમાં
ભારતીય સમુદાયમાં સુરક્ષા મુદ્દે ફરી ચિંતા
આ બનાવ બાદ અમેરિકામાં નાના વ્યવસાય અને સ્ટોરમાં કામ કરતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં સુરક્ષા અંગે ચર્ચા ફરી તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં ભારતીય મૂળના લોકો સામે હિંસાત્મક ઘટનાઓમાં વધારો નોંધાયો છે, જેને લઈને સમુદાયમાં ચિંતા વધી રહી છે.
સ્થાનિક ભારતીય સંગઠનો દ્વારા મેઘનાબેન પટેલના પરિવારને સહાય પહોંચાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તેવી માંગ પણ ઉઠી રહી છે. વર્જિનિયા પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાક્રમની સઘન તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.





