દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, જાહેર શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. સરહદી અને અતિ સંવેદનશીલ જિલ્લો હોવાના કારણે હથિયારબંધી, ડ્રોન ઉડાડવા, નિર્જન ટાપુઓમાં પ્રવેશ તેમજ શિવરાજપુર બીચ પર કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ આદેશો તા. 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેર સલામતી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવાના હેતુસર આ પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લામાં હથિયારબંધી જાહેર
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના શસ્ત્રો, સ્ફોટક સામગ્રી, ક્ષયકારી પદાર્થો અને ઈજા પહોંચાડી શકે તેવી વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત જાહેરમાં બિભત્સ સૂત્રોચ્ચાર, ટોળામાં ફરી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરવી, પથ્થર કે ફેંકી શકાય તેવી વસ્તુઓની હેરફેર તથા માનવ આકૃતિઓ કે પુતળાઓના પ્રદર્શન ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. જોકે નિયમ મુજબ પરવાનગી ધરાવતા વ્યક્તિઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
21 ટાપુઓમાં પૂર્વ મંજૂરી વગર પ્રવેશ બંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો હોવાથી સુરક્ષા દૃષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર માનવામાં આવે છે. જિલ્લામાં આવેલા 24 ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસાહત છે, જ્યારે બાકીના ટાપુઓ નિર્જન છે.
તંત્રને આશંકા છે કે નિર્જન ટાપુઓનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી તત્વો, દાણચોરી કરનારાઓ અથવા અસામાજિક પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. આથી 21 ટાપુઓ પર પ્રાંત અધિકારી અથવા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત ટાપુઓમાં ધાની ટાપુ, રોઝી ટાપુ, સામીયાણી ટાપુ, દીવડી ટાપુ સહિત અનેક ટાપુઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: જૂનાગઢને ટ્રાફિક જામથી મળશે મોટી રાહત : ગ્રોફેડ ખાતે નવા રેલવે સ્ટેશનને મળી મંજૂરી
જિલ્લામાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ આપવામાં આવ્યો છે. જોકે રીમોટ સેન્સિંગ, માઇનિંગ, આંતરિક સુરક્ષા અને ડિફેન્સ જેવી સરકારી કામગીરીને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
CCTV કેમેરા ફરજિયાત
જિલ્લામાં આતંકવાદી, રાષ્ટ્રવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે મહત્વના સ્થળોએ હાઈ ડેફિનેશન અને નાઇટ વિઝનવાળા CCTV કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંક, ATM સેન્ટર, ખાનગી ફાઇનાન્સરો, સોના-ચાંદીના શોરૂમ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને થિયેટરોમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધીનું રેકોર્ડિંગ સાચવી શકે તેવી CCTV વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે. પોલીસ તપાસ માટે માંગણી થાય ત્યારે આ રેકોર્ડિંગ ઉપલબ્ધ કરાવવું પણ ફરજિયાત રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રૂ.105 કરોડના ખર્ચે બનશે સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ : જાણો કેવી હશે સુવિધા
શિવરાજપુર બીચ પર વિવિધ પ્રતિબંધો
વિશ્વપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર પણ અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ નિયત સ્વિમિંગ ઝોનમાં વોટર સ્પોર્ટ્સ અને ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત બીચની આસપાસ પાંચ કિલોમીટર વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, કચરો ફેંકવો અને કેમ્પેઇન કરવું પણ પ્રતિબંધિત રહેશે. બીચ વિસ્તારના લાઈટ હાઉસથી Bay-2 પોઇન્ટ સુધીના વિસ્તારમાં જાહેર અથવા ખાનગી વાહનોની અવરજવર ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તંત્રનું કહેવું છે કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનના ધોરણો જાળવવા અને પર્યાવરણ સુરક્ષિત રાખવા માટે આ પગલાં જરૂરી છે.
સુરક્ષા અને પર્યાવરણ બંને પર ભાર
દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયાકાંઠો, ધાર્મિક સ્થળો અને સરહદી સંવેદનશીલતાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે. તાજેતરના સમયમાં દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કડક મોનીટરીંગ વધારવામાં આવ્યું છે. દ્વારકામાં જાહેર કરાયેલા આ પ્રતિબંધો પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યા છે.





