અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે રાજ્ય સરકાર દ્વારા ડોક્ટરો અને પી.જી. વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજિત રૂ.105 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ ખાસ કરીને ગત વર્ષે મેઘાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ‘અતુલ્યમ 1 થી 4’ હોસ્ટેલ બ્લોક્સને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ત્યાં રહેતા મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે નવી સુવિધા ઊભી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. વિમાન દુર્ઘટનામાં થયેલા નુકસાન બદલ ટાટા એરલાઈન્સ ચૂકવશે રૂ.53.12 કરોડ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આરોગ્ય વિભાગ હેઠળના ‘અતુલ્યમ 1 થી 4’ બ્લોક્સ, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. બાદમાં કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવતા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.
આ નુકસાનના વળતર રૂપે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ.53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી. મંત્રીના જણાવ્યા મુજબ ટાટા એરલાઈન્સે સકારાત્મક અભિગમ દાખવી આ સંપૂર્ણ રકમ આગામી સમયમાં ચૂકવવા સંમતિ દર્શાવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં દાદાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો : પોતાના જ લોહીએ જીવ લીધો!
ડોક્ટરો માટે અત્યાધુનિક રહેણાંક સુવિધા
નવીન હોસ્ટેલ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ - આઈજીપી કમ્પાઉન્ડ, મેઘાણીનગર ખાતે સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડોક્ટરો માટે આધુનિક હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે. આ આયોજન આગામી વર્ષોમાં મેડિકલ ક્ષેત્રમાં વધતી સુપર સ્પેશિયાલિટી બેઠકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષ દરમિયાન કુલ 144 નવા વિદ્યાર્થીઓ ઉમેરાશે, જેને ધ્યાનમાં રાખીને કુલ 236 પી.જી. ડોક્ટરો રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પૂરતી જમીન ફાળવી દીધી છે અને કામને ઝડપી ગતિ આપવા માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 'તોતાપુરી' થી લઈને 'લંગડો' કેરી સુધી...!! : જાણો આ રમુજી નામો પાછળની કહાની
રૂ.34.65 કરોડની બજેટ જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં આ પ્રોજેક્ટ માટે અંદાજિત રૂ.51.84 કરોડ સામે પ્રારંભિક તબક્કે રૂ.34.65 કરોડની બજેટ જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રની આધુનિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જરૂરી છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જેવી મોટી આરોગ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર રહેઠાણ જરૂરી બની ગયું છે.
'અતુલ્યમ 1 થી 7' હોસ્ટેલમાં મળશે આધુનિક સુવિધાઓ
નવીન આયોજિત ‘અતુલ્યમ 1 થી 7’ પી.જી. હોસ્ટેલ જી+8 માળના આધુનિક સ્ટ્રક્ચર સાથે તૈયાર થશે. દરેક ફ્લેટને સ્ટુડિયો એપાર્ટમેન્ટ મોડેલ મુજબ ડિઝાઇન કરવામાં આવશે. આ ફ્લેટોમાં લિવિંગ રૂમ, એટેચ કિચન, બેડરૂમ અને ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ ફાયર ફાઈટીંગ સિસ્ટમ, આર.ઓ. પ્લાન્ટ અને મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. હોસ્ટેલ કેમ્પસમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા ઉપરાંત અપરિણીત પી.જી. વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: વલસાડના સરીગામમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : 2.377 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા
જીમ, મેસ અને રીક્રીએશન રૂમની સુવિધા
વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આધુનિક મેસ, જીમ, રીક્રીએશન રૂમ અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ ક્ષેત્રે લાંબા સમય સુધી કામ કરતા ડોક્ટરો માટે આરામદાયક અને સુવિધાસભર વાતાવરણ ઉભું કરવાનો સરકારનો પ્રયાસ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો પ્રયાસ
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી હોસ્પિટલો અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દેશની સૌથી મોટી સરકારી આરોગ્ય સંસ્થાઓમાંની એક ગણાય છે. નવી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોકના નિર્માણથી મેડિકલ વિદ્યાર્થીઓ અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોને આધુનિક અને સુરક્ષિત રહેઠાણ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





