સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરાર બાદ, પાકિસ્તાન તેની પરમાણુ ટેકનોલોજી સાઉદી અરેબિયા સાથે શેર કરશે? તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, "અમારી પાસે જે કંઈ હશે તે અમે તેમને આપીશું." આ નિવેદન બંને દેશો વચ્ચેના ડિફેન્સ ડીલના મહત્વ પર ભાર મૂકે છે.
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા પાકિસ્તાન-સાઉદી ડિફેન્સ ડીલ હેઠળ પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરેબિયાને ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું હતું કે આ કરાર અન્ય આરબ દેશોના જોડાવાના દરવાજા બંધ કરતો નથી.
સાઉદી અરેબિયા માટે આશા જાગી
આ જાહેરાતથી સાઉદી અરેબિયા માટે આશાનું કિરણ આવ્યું છે. રિયાધને અગાઉ આશા હતી કે પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓ તેના માટે રક્ષા કવચ તરીકે કામ કરશે. જોકે, પાકિસ્તાનનું વલણ હવે સાઉદી અરેબિયાની રણનીતિક ફેરફાર કરી શકે છે. આ પગલું સાઉદી અરેબિયાની સંરક્ષણ પ્રાથમિકતાઓ અને ભાગીદારીને પણ ટેકો આપશે. આર્મ્સ કંટ્રોલ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે હાલમાં આશરે 170 પરમાણુ હથિયાર છે, જે ભારત કરતા ઓછા છે. ભારત પાસે આશરે 172 પરમાણુ હથિયાર છે.
સંરક્ષણ કરાર કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ નથી: પાકિસ્તાન
શુક્રવારે (19 સપ્ટેમ્બર, 2025) પાકિસ્તાને કહ્યું કે સાઉદી અરેબિયા સાથેનો તાજેતરનો પરસ્પર સંરક્ષણ કરાર કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ નથી. તેણે કહ્યું કે આ કરાર સંરક્ષણ સહયોગ વધારવા અને સંયુક્ત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અહીં સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત ખાને આ કરારને પ્રદેશ અને વિશ્વમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો.
સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ સોદા પર ભારતની પ્રતિક્રિયા શું છે?
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ બુધવારે (17 સપ્ટેમ્બર, 2025) એક રણનીતિક પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે મુજબ બંને દેશ પર કોઈપણ હુમલો બંને સામે આક્રમણ માનવામાં આવશે. આ કરાર ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાના મુખ્ય સાથી કતારમાં હમાસ નેતૃત્વ પર ઇઝરાયલી હુમલાના થોડા દિવસો પછી આવ્યો છે. આ વિકાસ પર ટિપ્પણી કરતા, ભારતે ગુરુવારે (18 સપ્ટેમ્બર, 2025) કહ્યું કે તે આ પગલાની તેની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર થતી અસરોનો અભ્યાસ કરશે.