કેન્દ્ર સરકારે તાજેતરમાં જ GST માળખામાં મોટા સુધારા જાહેર કર્યા હતા, જેને લઈને અનેક રાજ્ય સરકારોએ આવકમાં ઘટાડાની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલ મુજબ આ સુધારા સરકાર પર કોઈ વધારાનો નાણાકીય બોજ નહીં લાવે.
સરકારને ટૂંકા ગાળાનું નુકસાન, પરંતુ લાંબા ગાળાનો ફાયદો
ક્રિસિલે જણાવ્યું કે GST દરોમાં ઘટાડાને કારણે સરકારને ટૂંકા ગાળામાં આશરે ₹48,000 કરોડનું આવક નુકસાન થઈ શકે છે. પરંતુ નાણાકીય વર્ષ 2024-25માં કુલ GST વસૂલાત વધીને ₹10.6 લાખ કરોડ થવાનો અંદાજ છે. એટલે કે કુલ આવકની તુલનામાં આ નુકસાન બહુ મહત્વપૂર્ણ ગણાશે નહીં.
નવા GST સ્લેબ્સ
તાજેતરના GST કાઉન્સિલના નિર્ણય અનુસાર હવે ટેક્સ માળખું માત્ર 5% અને 18% ના બે સ્લેબમાં વહેંચાશે. આ સુધારા 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે, જેના કારણે અનેક ઉત્પાદનો અને સેવાઓના ભાવમાં ઘટાડો થવાનો છે.
આવક વધારશે સુધારો
અહેવાલ મુજબ, દરોને તર્કસંગત બનાવવાથી વધુ માલ અને સેવાઓ ઔપચારિક કર માળખામાં આવશે.
અગાઉ 70-75% આવક 18% સ્લેબમાંથી આવતી હતી.
ફક્ત 5-6% 12% સ્લેબમાંથી અને 13-15% 28% સ્લેબમાંથી આવતી હતી.
હવે 12% સ્લેબના માલ પર કર ઘટાડવાથી મોટી આવક ખોટ થવાની શક્યતા નથી.
નવી સર્વિસિસ પર GST
મોબાઇલ ચાર્જિસ જેવી સેવાઓ પર પહેલાની જેમ જ દર લાગશે.
ઇ-કોમર્સ ડિલિવરી જેવી નવી સેવાઓ પર 18% GST લાગશે.
ગ્રાહકોને લાભ
ક્રિસિલે જણાવ્યું કે કર ઘટાડાથી ગ્રાહકોની વાસ્તવિક આવકમાં વધારો થશે, જેનાથી માગ અને GST વસૂલાત બંનેમાં વધારો થશે. જો કે, તેનો લાભ ગ્રાહકો સુધી કેટલી હદ સુધી પહોંચશે તે ઉત્પાદકો પર નિર્ભર રહેશે.