નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને કાર્યકારી વડા પ્રધાન બની શકે છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે હિંસક આંદોલન બાદ કેપી શર્મા ઓલીએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. હવે નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી, તેઓ આ કટોકટીના સમયમાં દેશનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે.
સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે
આજે સવારે Gen Z આંદોલનનાં સભ્યોની વર્ચ્યુઅલ બેઠકમાં સુશીલા કાર્કીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. કાર્કીનો જન્મ 7 જૂન 1952 ના રોજ વિરાટનગરમાં થયો હતો. તેમણે રાજકીય વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કર્યો હતો અને પછી વકિલાત અને કાનૂની સુધારાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચૂંટણી વિવાદો સહિત ઘણા સીમાચિહ્નરૂપ કેસોની સુનાવણી કરી. તેમના નિર્ણયોએ સાબિત કર્યું કે ન્યાયતંત્ર લોકશાહીનું રક્ષણ કરતી એક મહત્વપૂર્ણ સંસ્થા છે.
કાર્યવાહક વડા પ્રધાનની નિમણૂક અંગે મોટી બેઠક
Nepal Press ના અહેવાલ મુજબ, કાર્યવાહક વડા પ્રધાનની નિમણૂક અંગે એક બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પાંચ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. તેમાંથી મોટાભાગના લોકોએ નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને ટેકો આપ્યો હતો. કાઠમંડુ મેટ્રોપોલિટન કોર્પોરેશનના મેયર બાલન શાહને GEN Z જનરેશનમાં સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. પરંતુ GEN Z ના એક પ્રતિનિધિએ કહ્યું કે હવે તેઓ (બાલેન) અમારા ફોનનો જવાબ આપી રહ્યા નથી. પ્રતિનિધિએ કહ્યું કે, જ્યારે તેમણે ફોન ઉપાડ્યો નહીં, ત્યારે અન્ય નામો પર ચર્ચા શરૂ થઈ. સુશીલા કાર્કીના નામને સૌથી વધુ સમર્થન મળ્યું.
GEN Z આંદોલનકારીઓ દ્વારા સુશીલા કાર્કીને પહેલાથી જ કાર્યવાહક વડા પ્રધાન બનવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ આ માટે 1,000 લેખિત સહીઓની માંગણી કરી હતી. પરંતુ તેમને 2,500 થી વધુ સહીઓ આપવામાં આવી હતી, જે તેમની માંગ કરતાં ઘણી વધારે હતી.
બેઠકમાં આ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કાર્યવાહક વડા પ્રધાન પદ માટે કુલમૈન ઘિસિંગ, સાગર ધકાલ અને હર્ક સામ્પાંગ જેવા નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ જ રીતે, 'રેન્ડમ નેપાળી' નામના યુટ્યુબરને પણ ઘણું સમર્થન મળ્યું. પરંતુ તેમણે કહ્યું કે તેઓ ત્યારે જ આગળ વધશે જ્યારે બીજું કોઈ તૈયાર નહીં હોય. 'રેન્ડમ નેપાળી'નું સાચું નામ રાષ્ટ્રવિમોચન તિમલસિના છે. તેઓ એક વકીલ છે. અગાઉ તેઓ નેશનલ લો કોલેજના કાર્યકારી આચાર્ય પણ રહી ચૂક્યા છે.
