Nicholas Pooran : IPL 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી મેચે ક્રિકેટ પ્રેમીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આ હાઇ-વોલ્ટેજ ડ્રામા જ્યારે સુપર ઓવર સુધી પહોંચ્યો ત્યારે ચાહકોને આશા હતી કે, લખનઉ કોઈ ફોર્મમાં રહેલા બેટ્સમેનને મોકલશે. પરંતુ, મેનેજમેન્ટે આઉટ-ઓફ-ફોર્મ નિકોલસ પૂરન પર દાવ રમ્યો, જે અંતે ટીમ માટે આત્મઘાતી સાબિત થયો. પૂરન પહેલા જ બોલે શૂન્ય રને આઉટ થયો અને લખનઉએ જીતેલી બાજી ગુમાવી દીધી.
પૂરનનું કથળતું ફોર્મ
વેસ્ટ ઈન્ડિઝનો આ વિસ્ફોટક બેટ્સમેન ગત સિઝનમાં બોલરો માટે કાળ સાબિત થયો હતો, પરંતુ IPL 2026 માં તેનું ભાગ્ય જાણે પલટાઈ ગયું છે. છેલ્લી 8 મેચોમાં પૂરનના બેટમાંથી માત્ર 82 રન જ નીકળ્યા છે. KKR સામેની આ મેચમાં પણ તે રન ચેઝ દરમિયાન માત્ર 9 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે સુપર ઓવર જેવી દબાણવાળી પરિસ્થિતિ આવી ત્યારે મિશેલ માર્શ કે, આયુષ બડોની જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓને બદલે પૂરનને મોકલવાના નિર્ણયે ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું.
શા માટે પૂરનને પસંદ કરાયો?
મેચ પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે આ વિવાદાસ્પદ નિર્ણય પાછળનું તર્ક રજૂ કર્યું હતું. લેંગરે જણાવ્યું કે, "અમે જાણતા હતા કે, KKR તરફથી સુનીલ નરેન બોલિંગ કરશે. પૂરને નરેન સામે વિશ્વમાં કોઈપણ બેટ્સમેન કરતાં વધુ ક્રિકેટ રમી છે અને તે તેની બોલિંગ શૈલીથી પરિચિત છે." લેંગરના મતે, પૂરન ભલે ફોર્મમાં નથી પણ તેની પાવર-હિટિંગ ક્ષમતા પર ટીમને હજુ પણ વિશ્વાસ હતો. ટીમ મેનેજમેન્ટ ઈચ્છતું હતું કે, પૂરન આ મોટી તક ઝડપીને પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવે અને આગામી મેચો માટે તેનું મનોબળ વધે.
કેપ્ટનનો ખુલાસો અને ટીમનો ભરોસો
આ નિર્ણય અંગે વાત કરતાં કેપ્ટને સ્પષ્ટતા કરી હતી કે, પૂરનને મોકલવાનો નિર્ણય એક ટીમ ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. કેપ્ટને જણાવ્યું કે, "ટીમ મીટિંગમાં પૂરનનું નામ સામે આવ્યું હતું. ભલે તે અત્યારે તેના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તમારે તમારા સિનિયર ખેલાડીઓ પર ભરોસો કરવો પડે છે. અમને ખાતરી છે કે, તે આગામી સમયમાં જરૂર સારું પ્રદર્શન કરશે." વધુમાં તેણે ઉમેર્યું કે, હાર માટે કોઈ બહાના નથી અને ટીમ હવે બ્રેક બાદ સકારાત્મક અભિગમ સાથે વાપસી કરશે.
સુપર ઓવરનો કડવો ઈતિહાસ
આંકડાકીય રીતે જોઈએ તો નિકોલસ પૂરનનો સુપર ઓવરમાં રેકોર્ડ અત્યંત નબળો રહ્યો છે. T20 ક્રિકેટમાં અત્યાર સુધી પૂરન 5 વખત સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો છે, જેમાંથી તે 4 વખત ડક (શૂન્ય) પર આઉટ થયો છે. કુલ 10 બોલમાં તેના નામે માત્ર 1 રન છે. આટલા ખરાબ ટ્રેક રેકોર્ડ અને નરેન સામેના નબળા આંકડા હોવા છતાં તેને મેદાનમાં ઉતારવાનો વ્યૂહાત્મક નિર્ણય લખનઉ માટે હારનું કારણ બન્યા.
પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પર ખતરો
સતત નિષ્ફળતા બાદ હવે નિકોલસ પૂરનના ટીમમાં સ્થાન સામે સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, LSG હવે પૂરનને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂકી શકે છે. તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસ અથવા સાઉથ આફ્રિકાના યુવા પ્રતિભાશાળી બેટ્સમેન મેથ્યુ બ્રીટ્ઝકેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ટીમ હવે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે કોઈ પણ ભૂલ કરવા માંગતી નથી.





