Rajasthan Royals : IPL 2026 ની 32 મી રોમાંચક મેચ 22 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનઉને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર 40 રનના મોટા અંતરથી હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને કબજો જમાવી લીધો છે. આ જીતના ખરા હીરો અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા રહ્યા હતા, જેમણે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતાથી મેચનું પાસું પલટી નાખ્યું હતું.
રાજસ્થાનની શાનદાર જીત
રાજસ્થાન રોયલ્સની ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં એક પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. લખનઉની ટીમ જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે રાજસ્થાનના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને રન ગતિ પર અંકુશ મેળવ્યો હતો. અંતે રાજસ્થાનની ટીમે 40 રને વિજય મેળવીને ટુર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. આ જીત બાદ ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો છે.
જાડેજાની સંઘર્ષપૂર્ણ બેટિંગ
37 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ સાબિત કરી દીધું કે, "Age is just a number" છે. જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેમણે જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. જાડેજાએ માત્ર 29 બોલમાં 148.28 ના સ્ટ્રાઇક રેટ સાથે 43 રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજાની આ ઇનિંગમાં સંતુલન જોવા મળ્યું હતું, જેમાં જાડેજાએ શરૂઆતમાં વિકેટ બચાવી અને અંતિમ ઓવરોમાં આક્રમક શોર્ટ્સ રમીને ટીમનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો.
બોલિંગમાં પણ જાડેજાનો જાદુ
બેટિંગ બાદ જ્યારે બોલિંગનો વારો આવ્યો ત્યારે પણ જાડેજાએ પોતાની ફિરકીનો જાદુ ચલાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 29 રન ખર્ચીને લખનઉના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનની મહત્વની વિકેટ ઝડપી હતી. જાડેજાની કરકસરયુક્ત બોલિંગને કારણે લખનઉના બેટ્સમેનો પ્રેશરમાં આવ્યા હતા અને સતત અંતરે વિકેટ ગુમાવી હતી. રવીન્દ્ર જાડેજાના આ શાનદાર પરફોર્મન્સ માટે તેમને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ ખાસ વાંચો : રાજસ્થાન રોયલ્સના નાન્દ્રે બર્ગરને આ ભૂલ પડી ભારે! : મેચ જીત્યા પછી BCCI એ લીધા કડક પગલાં
પત્ની રિવાબાને સમર્પિત એવોર્ડ
એવોર્ડ સ્વીકારતી વખતે રવીન્દ્ર જાડેજાએ એક ખૂબ જ સુંદર વાત કહી હતી. તેમણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાની પત્ની રિવાબા જાડેજાને ડેડિકેટ કર્યો હતો, જેઓ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી છે. જાડેજાએ ભાવુક થતા કહ્યું કે, મેચના એક દિવસ પહેલા જ રિવાબાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મારું પરફોર્મન્સ સારું રહેશે. પત્નીના આ પ્રોત્સાહનને કારણે જ તેઓ મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
પિચ અને મેચની રણનીતિ
મેચ બાદ જાડેજાએ લખનઉની પિચ વિશે મહત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, બેટિંગ માટે પિચ શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતી, બોલ સતત સીમ અને સ્વિંગ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે ક્રીઝ પર સમય વિતાવવાનું નક્કી કર્યું હતું. બોલિંગમાં પિચ પર બોલ ગ્રીપ થતો હોવાથી સ્લો બોલનો ઉપયોગ કરીને તેમણે બેટ્સમેનોને મુંઝવણમાં મૂક્યા હતા, જે રણનીતિ સફળ રહી હતી.





