Home Sports IPL 2026 Ipl 2026 Rajasthan Royals Nandre Burger Penalty Bcci

રાજસ્થાન રોયલ્સના નાન્દ્રે બર્ગરને આ ભૂલ પડી ભારે! : મેચ જીત્યા પછી BCCI એ લીધા કડક પગલાં

Nandre Burger
Published by: Aryan Shah
Last Updated: Apr 23, 2026, 06:09 AM IST

IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં રાજસ્થાન રોયલ્સનો વિજય રથ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, લખનઉ સુપર જાયન્ટ્સ સામેની શાનદાર જીત બાદ ટીમના કેમ્પમાં એક માઠા સમાચાર આવ્યા છે. રાજસ્થાનના સ્ટાર ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરને મેદાન પર શિસ્તભંગ કરવા બદલ BCCI દ્વારા સજા ફટકારવામાં આવી છે. મેચ જીત્યાના ગણતરીના કલાકોમાં જ બોર્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.

રાજસ્થાન રોયલ્સનો શાનદાર વિજય

22 એપ્રિલના રોજ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી. યુવા વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ મોહમ્મદ શમીની ઘાતક બોલિંગને કારણે રાજસ્થાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની લડાયક ઇનિંગની મદદથી ટીમે 159 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રાજસ્થાનના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરતાં લખનઉની ટીમને માત્ર 119 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને 40 રનથી મેચ જીતી લીધી હતી.

નાન્દ્રે બર્ગર સામે BCCI ની કાર્યવાહી

આ મેચમાં નાન્દ્રે બર્ગરે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેને 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જોકે, બોલિંગ દરમિયાન તેણે વિરોધી ટીમના ખેલાડી સામે અયોગ્ય ભાષા અથવા ઉશ્કેરણીજનક હાવભાવ કર્યા હોવાનું સામે આવ્યું છે. BCCI ના નિવેદન મુજબ, બર્ગરે IPL આચારસંહિતાની કલમ 2.5 હેઠળ 'લેવલ 1' નો ગુનો કર્યો છે. આ નિયમ ખેલાડીના ગેરવર્તણૂક અને ખેલદિલી વિરુદ્ધના કૃત્યો સાથે સંબંધિત છે.

દંડ અને શિસ્તભંગની સજાની વિગત

આ ભૂલના પરિણામ સ્વરૂપે મેચ રેફરીએ નાન્દ્રે બર્ગર પર મેચ ફીના 10 ટકા રકમનો દંડ ફટકાર્યો છે. આટલું જ નહીં, તેના શિસ્ત રેકોર્ડમાં એક 'ડિમેરિટ પોઈન્ટ' પણ ઉમેરવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં કોઈ ખેલાડીના ડિમેરિટ પોઈન્ટ્સ વધે છે, તો તેના પર પ્રતિબંધ પણ લાગી શકે છે. બર્ગરે મેચ રેફરી સામે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે, જેના કારણે હવે આ મામલે કોઈ વધારાની સુનાવણી કરવામાં આવશે નહીં.

આ પણ ખાસ વાંચો : જાડેજાનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ : લખનઉ સામે રાજસ્થાનનો ધમાકેદાર વિજય

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની સ્થિતિ

બર્ગર પરના દંડ સિવાય રાજસ્થાન રોયલ્સ માટે આ જીત ઘણી મહત્વની રહી છે. આ જીત બાદ રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને મજબૂત રીતે આગળ વધી છે. ટીમના નેટ રન રેટમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે હવે 0.599 થી વધીને 0.790 થયો છે. હાલમાં તેઓ ટેબલ ટોપર પંજાબ કિંગ્સથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. રાજસ્થાનની હવે પછીની ટક્કર 25 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now