Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વન જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ સતત વણસી રહ્યો છે. પરંતુ, આ જનહિતના મુદ્દામાં હવે ભાજપના જ સ્થાનિક નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થતાં રાજકારણ ગરમાયું છે. ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવે આ વિવાદમાં ઝંપલાવતા જ સ્થાનિક ધારાસભ્ય (MLA) ડૉ. દર્શનાબેન દેશમુખ નારાજ થયા છે અને તેમણે નીલ રાવ પર આકરા પ્રહારો કર્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
સાગબારાના ખોપી સહિત ૧૨થી વધુ ગામોના આદિવાસી ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તેઓ પેઢીઓથી આ જંગલની જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વન અધિકાર કાયદા (FRA) હેઠળ ખેડૂતોએ જમીન પરના પોતાના હક માટે કરેલી અરજીઓ ઘણા વર્ષોથી વહીવટી તંત્ર પાસે પેન્ડિંગ પડી છે. ખેડૂતોનો દાવો છે કે કાયદાકીય ઉકેલ આવવાને બદલે વન વિભાગ દ્વારા તેઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે અને ખેતી કરતા રોકવામાં આવે છે.
"પ્રશ્ન સમજવા આદિવાસી હોવું જરૂરી" - ધારાસભ્ય દર્શના દેશમુખ
આ વિવાદને ઉકેલવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને સ્થાનિક ધારાસભ્ય દર્શના દેશમુખ સતત પ્રયત્નશીલ છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પણ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ધારાસભ્યને બિલકુલ પસંદ આવ્યો નથી.
નીલ રાવ પર નિશાન સાધતા ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું હતું કે "આ વિવાદમાં સંગઠનનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ સીધો આદિવાસી સમાજનો પ્રશ્ન છે. નીલ રાવને કદાચ એવું લાગતું હશે કે તેઓ આ પ્રશ્ન હલ કરી દેશે, પરંતુ આદિવાસીઓના પ્રશ્નોને સમજવા માટે 'આદિવાસી હોવું જરૂરી' છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આદિવાસીઓના અધિકારોની લડાઈ અને તેમના પ્રશ્નો માત્ર આદિવાસી જનપ્રતિનિધિઓ જ યોગ્ય રીતે હલ કરી શકે છે.
સાંસદ મનસુખ વસાવાની સક્રિયતા અને સુખદ અંતની આશા
ધારાસભ્ય દર્શના દેશમુખે આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવાની કામગીરી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સાંસદ મનસુખ વસાવા આદિવાસી સમાજના મોટા નેતા છે અને તેઓ જ ખેડૂતોને ન્યાય અપાવી શકે છે. મનસુખ વસાવાએ આ ગંભીર મુદ્દે ગાંધીનગર અને દિલ્હી સુધી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે, જેથી ટૂંક સમયમાં જ સાગબારાના ૧૨થી વધુ ગામના ખેડૂતો માટે આ વિવાદનું નિરાકરણ સુખદ આવશે.
ભાજપનો આંતરિક ડખો જાહેર થયો
એક તરફ જ્યારે સાંસદ અને ધારાસભ્ય આ વિવાદને વહીવટી સ્તરે ઉકેલવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે સંગઠનના પ્રમુખ નીલ રાવની એન્ટ્રીથી નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સંગઠન અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો આ સમન્વયનો અભાવ આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં કેવો વળાંક લે છે તે જોવું રહ્યું.






