ભુજ: કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં શેરી ફેરીયાઓના હક્કો અને રોજગાર સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને શેરી ફેરીયા એસોસિએશન દ્વારા ભુજ નગરપાલિકા કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. એસોસિએશને રજૂઆત કરી હતી કે શહેર માટે અગાઉ રચાયેલી ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ નવેમ્બર-2024માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી નવી કમિટીની રચના કરવામાં આવી નથી. તેના કારણે સ્ટ્રીટ વેન્ડર્સ સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ લાંબા સમયથી અટવાઈ પડી હોવાનું સંગઠનનું કહેવું છે.
નવી કમિટી ન બનતાં કાયદાકીય પ્રક્રિયાઓ પર અસર
ફેરીયા આગેવાનોના જણાવ્યા મુજબ ટાઉન વેન્ડિંગ કમિટી ન હોવાના કારણે નવા વેન્ડિંગ સર્ટિફિકેટ જારી કરવા, જૂના સર્ટિફિકેટનું નવીનીકરણ (રીન્યુઅલ), ઓળખપત્ર આપવાની પ્રક્રિયા તેમજ શહેરમાં વેન્ડિંગ ઝોનનું આયોજન જેવા મુદ્દાઓ પર અસર પડી રહી છે. તેમનું કહેવું છે કે કાયદા મુજબ આ તમામ પ્રક્રિયાઓ ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે. કમિટી કાર્યરત ન હોવાથી હજારો શેરી ફેરીયાઓ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે અને તેમના રોજગાર પર પણ અસર પડી રહી છે.
સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ સર્વે પૂર્ણ કરવાની માંગ
શેરી ફેરીયા એસોસિએશને સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ, 2014ની કલમ 3(1)નો ઉલ્લેખ કરતાં માંગ કરી હતી કે ભુજ શહેરના તમામ પાત્ર શેરી ફેરીયાઓનો કાયદેસર સર્વે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. એસોસિએશનનું કહેવું છે કે સર્વે પૂર્ણ થયા બાદ જ પાત્ર ફેરીયાઓને કાયદાકીય રીતે વેન્ડિંગ સર્ટિફિકેટ અને અન્ય અધિકારો મળી શકશે, જેના કારણે તેઓ નિર્ભય બની પોતાનો વ્યવસાય કરી શકશે.
મુદત પૂર્ણ થયેલા વેન્ડિંગ સર્ટિફિકેટનું રીન્યુઅલ કરવાની રજૂઆત
ફેરીયાઓએ વધુમાં રજૂઆત કરી હતી કે ઘણા શેરી વેપારીઓના વેન્ડિંગ સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. નવી કમિટીની ગેરહાજરીને કારણે તેમના સર્ટિફિકેટનું નવીનીકરણ પણ થઈ શકતું નથી. તેમણે માંગ કરી હતી કે જે ફેરીયાઓ અગાઉથી નોંધાયેલા છે અને જેમના સર્ટિફિકેટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેમના સર્ટિફિકેટનું તાત્કાલિક રીન્યુઅલ કરવામાં આવે જેથી તેઓ કાયદેસર રીતે પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકે.
નગરપાલિકા કચેરીએ ધરણા, વહેલી તકે નિર્ણયની માંગ
આ માંગણીઓને લઈને શેરી ફેરીયાઓએ ભુજ નગરપાલિકા કચેરી ખાતે ધરણા યોજીને તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ફેરીયા આગેવાનોનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. શેરી ફેરીયા આગેવાન મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું કે ટાઉન વેન્ડિંગ કમિટીની રચનામાં થઈ રહેલા વિલંબથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે તંત્રને વહેલી તકે નવી કમિટી રચી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: સુરત: સસ્પેન્ડેડ SMC એક્ઝિક્યુટિવ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી : ડિમોલિશન કમિશ્નરની સૂચનાથી કર્યું હોવાનો દાવો
સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ શું કહે છે?
સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ, 2014નો મુખ્ય હેતુ શેરી ફેરીયાઓના રોજગારનું રક્ષણ કરવાનો અને તેમને નિયમિત રીતે વ્યવસાય કરવાની કાયદાકીય વ્યવસ્થા પૂરી પાડવાનો છે.
આ કાયદા હેઠળ દરેક શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી ફરજિયાત છે. આ કમિટી ફેરીયાઓનો સર્વે, વેન્ડિંગ સર્ટિફિકેટ જારી કરવું, ઓળખપત્ર આપવું અને વેન્ડિંગ ઝોનનું આયોજન કરવા સહિતની જવાબદારીઓ નિભાવે છે.હાલ શેરી ફેરીયા એસોસિએશને તંત્ર સમક્ષ વહેલી તકે નવી ટાઉન વેન્ડિંગ કમિટી રચી તમામ અટવાયેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની માંગ કરી છે. હવે આ મુદ્દે નગરપાલિકા અને સંબંધિત સત્તાધિકારીઓ શું નિર્ણય લે છે તેના પર ફેરીયાઓની નજર મંડાઈ છે.






