Home Gujarat Ambaji Temple New Darshan Aarti Timing Ashadhi Bij

ભક્તો માટે મોટા સમાચાર : અષાઢ સુદ બીજે અંબાજીના દર્શન અને આરતીના સમયમાં થયો મહત્વપૂર્ણ ફેરફાર, જાણો નવું સમયપત્રક

Ambaji
Image Credit: OBS Bureau
Published by: Aryan Shah
Last Updated: Jul 13, 2026, 01:52 PM IST

Ambaji : વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજના પાવન અવસરને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં એક દિવસ માટે ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, 16 જુલાઈ, 2026ના રોજ મોટી સંખ્યામાં આવનારા યાત્રાળુઓને સરળતાથી દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે અષાઢ સુદ બીજના દિવસે ભક્તોની ભારે અવરજવર રહેતી હોવાથી દર્શન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ વિશેષ સમયપત્રક અમલમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે આ ફેરફાર નિયમિત સમયપત્રક નહીં પરંતુ અષાઢ સુદ બીજના દિવસે લાગુ પડતી વિશેષ વ્યવસ્થા છે.

સવારે આરતીથી રાત્રિના દર્શન સુધીનું સંપૂર્ણ સમયપત્રક

ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ સવારે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી માતાજીની આરતી યોજાશે. ત્યારબાદ સવારે 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. સવારે 11:30 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી મંદિર મંગળ માટે બંધ રહેશે, જ્યારે બપોરે 12:00 થી 12:30 વાગ્યા સુધી રાજભોગનો સમય રહેશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી ફરી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 7:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી સાંજની આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 7:30 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

આ પણ ખાસ વાંચો : વિશ્વ મંચ પર ફરી ગુંજ્યું ગુજરાતનું ગૌરવ : પાટણની ઐતિહાસિક 'રાણી કી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને 'WOW Awards Asia 2026'માં મળ્યો ગોલ્ડ એવોર્ડ

યાત્રાળુઓને સમયપત્રક મુજબ આયોજન કરવાની અપીલ

અષાઢ સુદ બીજના દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. આવા સંજોગોમાં મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓને નવા સમયપત્રકને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરવાની અપીલ કરી છે, જેથી દર્શન દરમિયાન અનાવશ્યક ભીડ અને અગવડતા ટાળી શકાય. અંબાજી મંદિર ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠોમાંનું એક છે અને દર વર્ષે અષાઢી બીજ, ગુપ્ત નવરાત્રી તેમજ ભાદરવી પૂનમ જેવા ધાર્મિક પ્રસંગોએ લાખો ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવે છે. આવી વિશેષ તિથિઓ દરમિયાન ભક્તોની સંખ્યા વધતી હોવાથી મંદિર વહીવટીતંત્ર સમયાંતરે વિશેષ દર્શન વ્યવસ્થા અમલમાં મૂક્તું હોય છે.

અષાઢ સુદ બીજ (16 જુલાઈ) માટે દર્શન અને આરતીનો સમય

સવારે આરતી : 07:00 થી 08:00

સવારે દર્શન : 08:00 થી 11:30

મંદિર મંગળ : 11:30 થી 12:00

રાજભોગ : 12:00 થી 12:30

બપોરે દર્શન : 12:30 થી 16:30

સાંજે આરતી : 19:00 થી 19:30

રાત્રિ દર્શન : 19:30 થી 21:00

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now