રાજકોટ: સોશિયલ મીડિયાના યુગમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ વડીલો પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. રાજકોટની 70 વર્ષીય મંજુલાબેન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. શનિવારે કાળા રંગની કાર સાથે બનાવાયેલી તેમની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં તેમના વિશે જાણવાની ઉત્સુકતા વધી હતી. વાયરલ વીડિયો બાદ મીડિયા મંજૂલાબેન સુધી પહોંચ્યું, જ્યાં તેમણે સમગ્ર ઘટનાક્રમ વિશે ખુલાસો કર્યો. મંજૂલાબેને જણાવ્યું કે તેમણે માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કારચાલકને કહ્યું હતું, પરંતુ અચાનક કારનું દરવાજું ખુલ્યું અને તે દરમિયાન વીડિયો બની ગયો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
સ્કૂલ બહાર બાળકોને નાસ્તો વેચીને ચલાવે છે જીવન
મંજુલાબેન રાજકોટની એક શાળાની બહાર બાળકોને નાસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ એકલા રહે છે અને વર્ષોથી મહેનત કરીને જીવન પસાર કરી રહ્યા છે. દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ હંમેશા હસમુખા સ્વભાવ માટે ઓળખાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મંજૂલાબેનનો સરળ સ્વભાવ અને આત્મવિશ્વાસ તેમને અન્ય લોકોથી અલગ ઓળખ અપાવે છે. બાળકો સાથેનો તેમનો સ્નેહ અને રોજિંદી મહેનતને કારણે તેઓ વિસ્તારમાં પહેલાથી જ જાણીતા છે.
'બે વર્ષથી વીડિયો બનાવી રહી છું'
મંજુલાબેને જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી વીડિયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની સારી ઓળખ બની છે. તેમણે હસતાં હસતાં કહ્યું કે તેઓ પહેલાથી જ ફેમસ છે અને હવે લોકો તેમને ઓળખવા લાગ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઉંમર હવે 70 વર્ષની થઈ ગઈ છે, પરંતુ જીવનને આનંદથી જીવવાની તેમની ઈચ્છા આજે પણ યથાવત છે.
'હવે પડવાનો કે વાગવાનો ડર નથી'
વાયરલ વીડિયો અંગે વાત કરતાં મંજૂલાબેને કહ્યું કે હવે તેમને કોઈ વાતનો ડર નથી. "હવે પાડવા, વાગવા કે કોઈ શું કહેશે તેની ચિંતા કરતી નથી. જીવનમાં જે કરવું હોય તે આનંદથી કરવું જોઈએ," એમ તેમણે જણાવ્યું. મંજુલાબેનનો આ નિર્ભય અને હકારાત્મક અભિગમ સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ઘણા લોકો તેમની ઉંમરમાં પણ જિંદાદિલી અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વધી રહી છે લોકપ્રિયતા
રાજકોટના 'વાયરલ દાદી' તરીકે ઓળખ મેળવેલી મંજુલાબેનની રીલ્સ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેમની સરળતા, નિખાલસતા અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ લોકોને પ્રેરણા આપે છે. તાજેતરમાં વાયરલ થયેલી રીલ બાદ તેઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો આંતરજિલ્લા વાહનચોરીના રેકેટનો પર્દાફાશ : 21 ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો
વાયરલ વીડિયો બાદ પોલીસ હરકતમાં, કાર ડિટેઈન
મંજુલાબેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકોટ શહેર પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસે વીડિયોમાં દેખાતી કારને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે વીડિયો કેવી પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ટ્રાફિક નિયમોનો ભંગ થયો છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.





