Home Gujarat Vadodara Manjalpur Assembly By Election 2026 Nomination Filed

વડોદરા: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે 7 ઉમેદવારોએ ભરી ઉમેદવારી : કુલ 15 ફોર્મ જમા, 30 મી જુલાઈના રોજ મતદાન

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયાનું પ્રતિકાત્મક દૃશ્ય
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 01:59 PM IST

વડોદરા: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર વડોદરાની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે કુલ 7 ઉમેદવારોએ 15 ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે. હવે 14 જુલાઈના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારો 16 જુલાઈ સુધી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 145-માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે. આ માટે ચૂંટણી અધિકારી દ્વારા 6 જુલાઈના રોજ ઉમેદવારી પત્રો ભરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા

ચૂંટણી અધિકારીને મળેલા ઉમેદવારી પત્રો મુજબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી સત્યેન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ બ્રહ્મભટ્ટ અને રત્નસાગર રાજરાજેશ્વર ધુળાભાઈએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી અને ધર્મેશભાઈ પટેલે ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે. આ ઉપરાંત રાઈટ ટુ રીકોલ પાર્ટીના દિનેશ રમાકાંત વ્યાસ અને અપક્ષ ઉમેદવાર તરીકે રાઠોડ પરેશ વિનોદકુમારે પણ ઉમેદવારી નોંધાવી છે. કુલ 7 ઉમેદવારો પાસેથી 15 ઉમેદવારી ફોર્મ પ્રાપ્ત થયા હોવાનું ચૂંટણી તંત્રએ જણાવ્યું છે.

હવે ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાનો તબક્કો

ચૂંટણી કાર્યક્રમ મુજબ 14 જુલાઈના રોજ તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી બાદ જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેવા ઈચ્છતા ન હોય તેઓ 16 જુલાઈ સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને ચૂંટણી પ્રચારને વેગ મળશે.

ઉમેદવારોના એફિડેવિટ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર દરેક ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે ફોર્મ-26 હેઠળ સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવાનું ફરજિયાત હોય છે. આ એફિડેવિટમાં ઉમેદવારની મિલકત, દેવું, શૈક્ષણિક લાયકાત અને ગુનાહિત કેસ સહિતની વિગતો જાહેર કરવામાં આવે છે. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટ રજૂ થયાના 24 કલાકની અંદર ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે, જેથી મતદારો ઉમેદવારો વિશેની માહિતી સરળતાથી મેળવી શકે.

આ પણ વાંચો: વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો આંતરજિલ્લા વાહનચોરીના રેકેટનો પર્દાફાશ : 21 ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો

30 જુલાઈએ મતદાન, પરિણામ પર સૌની નજર

145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 30 જુલાઈના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે રાજકીય પક્ષો પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવશે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે, જેના પરિણામ પર રાજ્યના રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now