Home Gujarat Vadodara Vadodara Crime Branch Busts Inter District Vehicle Theft Racket

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો આંતરજિલ્લા વાહનચોરીના રેકેટનો પર્દાફાશ : 21 ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાહનચોરીના કેસમાં જપ્ત કરાયેલા ચોરીના વાહનો અને આરોપીઓ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 01:49 PM IST

વડોદરા: છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ટુ-વ્હીલર વાહનોની ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો. વાહનચોરીના વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આંતરજિલ્લા વાહનચોરીના રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ચોરીના વાહનો, ડુપ્લિકેટ ચાવીઓ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો છે.

'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી મળી સફળતા

વડોદરા શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 'વિશ્વાસ પ્રોજેક્ટ' અંતર્ગત શહેરભરમાં સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મોઢા પર રૂમાલ બાંધીને ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેના પર સતત નજર રાખી યોગ્ય સમયે તેને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી એક્ટિવા સ્કૂટરની સાત જેટલી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતાં પોલીસને વધુ શંકા ગઈ અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી.

આરોપીની ઓળખ અમદાવાદના મુનાફ હુસેન શેખ તરીકે થઈ

પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ અમદાવાદના રહેવાસી 63 વર્ષીય મુનાવર ઉર્ફે મુનાફ હુસેન શેખ તરીકે થઈ હતી. તેની પાસે રહેલી એક્ટિવા સ્કૂટર ભરૂચમાંથી ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીએ વડોદરા ઉપરાંત અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ અને પાટણ સહિતના વિસ્તારોમાંથી કુલ 21 ટુ-વ્હીલર વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી છે.

ચોરીના વાહનો અમદાવાદમાં વેચતો હતો

તપાસ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે ચોરી કરેલા વાહનો અમદાવાદના શાહપુર દરવાજા વિસ્તાર ખાતે રહેતા ઇમરાન શેખને વેચી દેતો હતો. આ માહિતીના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇમરાન શેખને પણ ઝડપી લીધો હતો.

પોલીસે તેની પાસેથી ચોરીના નવ એક્ટિવા સ્કૂટર, એક પેશન બાઈક તેમજ વિવિધ વાહનોના એન્જિન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

અન્ય જિલ્લાઓમાં પણ તપાસનો દોર શરૂ

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચોરીના વધુ વાહનો ક્યાં વેચાયા અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે સંબંધિત જિલ્લાઓની પોલીસ સાથે પણ સંકલન શરૂ કર્યું છે જેથી બાકી રહેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલી શકાય.

વાહનચોરીના સંગઠિત નેટવર્કની આશંકા

પ્રાથમિક તપાસમાં પોલીસને આ માત્ર એકલદોકલ ચોરીનો નહીં પરંતુ આંતરજિલ્લા સ્તરે કાર્યરત સંગઠિત વાહનચોરીના નેટવર્કનો મામલો હોવાની આશંકા છે. આરોપીઓ અલગ-અલગ શહેરોમાંથી ટુ-વ્હીલર વાહનોની ચોરી કરીને તેને અન્ય જિલ્લામાં વેચી દેતા હતા, જેના કારણે ગુનાઓ શોધવામાં મુશ્કેલી પડતી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ હવે આ સમગ્ર નેટવર્કની આર્થિક લેવડ-દેવડ, વાહનોના ખરીદદારો અને અન્ય સંભવિત સાગરિતોની ઓળખ માટે પણ તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો: વિશ્વ મંચ પર ફરી ગુંજ્યું ગુજરાતનું ગૌરવ : પાટણની ઐતિહાસિક 'રાણી કી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને 'WOW Awards Asia 2026'માં મળ્યો ગોલ્ડ એવોર્ડ

પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી. જે. ચાવડાએ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વાહનચોરીના બનાવોને રોકવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ, ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી મોનિટરિંગ કરી રહી છે. તેમણે વાહનચાલકોને અપીલ કરી હતી કે વાહન હંમેશા સુરક્ષિત સ્થળે પાર્ક કરે, સ્ટીયરિંગ અથવા વ્હીલ લોકનો ઉપયોગ કરે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now