અમદાવાદ/સુરત: સુરત મહાનગર પાલિકા (SMC)ના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પોતાની અરજીમાં તેમણે સસ્પેન્શનને ગેરકાયદેસર ગણાવતા દાવો કર્યો છે કે ડિમોલિશનની કાર્યવાહી તેમણે પોતાની મરજીથી નહીં, પરંતુ તત્કાલીન SMC કમિશ્નરની સૂચનાના આધારે કરી હતી. અરજીમાં સુજલ પ્રજાપતિએ સુરત મહાનગર પાલિકા અને SMC કમિશ્નર શાલિની અગ્રવાલ પછી કાર્યભાર સંભાળનારા કમિશ્નર નાગરાજન સહિત સંબંધિત સત્તાધિકારીઓને પક્ષકાર બનાવ્યા છે અને સસ્પેન્શનનો આદેશ રદ કરવાની માંગ કરી છે.
'ખાતાકીય તપાસ વિના સસ્પેન્ડ કરાયો'
અરજદારનું કહેવું છે કે તેમની સામે કોઈ નિયમિત ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી નથી અને યોગ્ય પ્રક્રિયા વિના તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરજીમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયમો મુજબ આવા કિસ્સામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવો જોઈએ, જ્યારે અહીં સસ્પેન્શનનો આદેશ સીધો કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો. અરજદારના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
'કમિશ્નરના નંબર પરથી ફોરવર્ડ મેસેજ આવ્યો હતો'
સુજલ પ્રજાપતિએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો છે કે 21 મે, 2026ના રોજ તેમને SMC કમિશ્નરના સત્તાવાર મોબાઇલ નંબર પરથી એક ફોરવર્ડેડ મેસેજ પ્રાપ્ત થયો હતો. તેમના કહેવા પ્રમાણે, તે મેસેજના આધારે જ સંબંધિત વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અરજીમાં તેમણે જણાવ્યું છે કે જરૂર પડે તો આ મેસેજ અંગે એફિડેવિટ દાખલ કરવા પણ તેઓ તૈયાર છે. તેમના દાવા મુજબ, તેમણે માત્ર ઉચ્ચ અધિકારીના નિર્દેશોનું પાલન કર્યું હતું.
તપાસ સમિતિ સમક્ષ પણ આ જ રજૂઆત કર્યાનો દાવો
અરજીમાં વધુમાં જણાવાયું છે કે SMC દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ પણ તેમણે આ જ હકીકત રજૂ કરી હતી. તેમનો દાવો છે કે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર કરવામાં આવી હતી.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તપાસ દરમિયાન આપેલા પોતાના નિવેદન છતાં કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે તેમણે તપાસમાં સહકાર આપ્યો નથી.
નાસીરનગરમાં રોડ માટે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો
અરજીમાં જણાવાયું છે કે સુરતના વોર્ડ નંબર-7માં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક 60 ફૂટના ટીપી રોડ માટે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ જ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અરજદારે જણાવ્યું છે. સાથે જ અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડિમોલિશન પહેલાં ટોરેન્ટ પાવરને વીજ પુરવઠો બંધ કરવા માટે પણ સંબંધિત વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી.
કમિશ્નર સાથેની ચેટના સ્ક્રીનશોટ રજૂ કર્યા હોવાનો દાવો
સુજલ પ્રજાપતિએ અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તેમણે કમિશ્નર સાથે થયેલી વાતચીતના કેટલાક સ્ક્રીનશોટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. ઉપરાંત, SMCના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર ડિમોલિશન સંબંધિત રીલ શેર કરવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમનો દાવો છે કે સસ્પેન્ડ થયા બાદ તેમને સંબંધિત અધિકારીઓના ગ્રુપમાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટની પ્રાથમિક નોંધ
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટ સમક્ષ પસંદગીના સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર હકીકત એફિડેવિટમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન હાઇકોર્ટે પ્રાથમિક અવલોકનમાં નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે અરજદારને કમિશ્નરના નંબર પરથી મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટે આ અંગે કોઈ અંતિમ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી અને SMC કમિશ્નરને એફિડેવિટ દાખલ કરીને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: નર્મદાના સાગબારા જંગલ વિવાદે લીધો રાજકીય વળાંક : ભાજપના નેતાઓ વચ્ચે મતભેદ ખુલ્લા; ખેડૂતોના વન અધિકારનો મુદ્દો ફરી ચર્ચામાં!
20 અને 21 જુલાઈએ મહત્વની સુનાવણી
નાસીરનગર ડિમોલિશનની મુખ્ય અરજીમાં અગાઉ સુરતમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે SMCએ સમય માંગ્યો હતો, જે બાદ કેસની સુનાવણી માટે 20 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે સુજલ પ્રજાપતિની સસ્પેન્શન સંબંધિત અરજીમાં ગુજરાત હાઇકોર્ટે SMC કમિશ્નરને જવાબી એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે અને કેસની વધુ સુનાવણી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે સુજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ તેમની હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આધારિત છે. આ દાવાઓ અંગે અંતિમ નિર્ણય હજી અદાલત દ્વારા લેવામાં આવ્યો નથી અને SMC તરફથી જવાબી એફિડેવિટ રજૂ થવાનો બાકી છે.





