Home Gujarat Ahmedabad Ahmedabad Bapunagar Shubham Kori Murder Case Akash Nawab Arrested

ક્યારેક હતા મિત્રો, પછી શરૂ થઈ અંગત તકરાર અને ક્રૂર હત્યાથી આવ્યો અંત : બાપુનગર મર્ડર કેસનો ચોથો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

Ahmedabad News
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2026, 02:01 PM IST

Ahmedabad News: "મિત્રતા જ્યારે દુશ્મનીમાં બદલાય છે ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે", તેનો જીવતો-જાગતો કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જોવા મળ્યો હતો. ક્યારેક જેઓ જીવજાન મિત્રો હતા, તેમની વચ્ચે અંગત તકરાર શરૂ થઈ અને એ તકરારનો કરુણ અંત એક મિત્રની ઘાતકી હત્યાથી આવ્યો. બાપુનગરમાં ગત મહિને થયેલી ૨૮ વર્ષીય શુભમ કોરીની હત્યાના મામલામાં બાપુનગર પોલીસ અને એલ.સી.બી. ઝોન-૫ની ટીમને મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ચોથા મુખ્ય આરોપી આકાશ ઉર્ફે નવાબ રામનિવાસ રાઠોડને પોલીસે આખરે દબોચી લીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત 10 જૂન 2026ના રોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડીના શિવશક્તિ મંદિર નજીક આ સનસનાટીભરી ઘટના ઘટી હતી. ૨૮ વર્ષીય શુભમ કોરી અને આરોપીઓ વચ્ચે જૂના અંગત ઝઘડાની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ શુભમને ઘેરી લીધો હતો અને તેના પર છરીઓના ઉપરાછાપરી ઘા ઝીંકી તેમજ ગડદાપાટુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ક્રૂર હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શુભમનું મોત નીપજ્યું હતું.

સુરત: સસ્પેન્ડેડ SMC એક્ઝિક્યુટિવ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી : ડિમોલિશન કમિશ્નરની સૂચનાથી કર્યું હોવાનો દાવો

પોલીસની મેગા સર્ચ ઓપરેશન અને મધ્યપ્રદેશ કનેક્શન

આ ચકચારી હત્યા કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પરંતુ, 24 વર્ષીય મુખ્ય આરોપી આકાશ ઉર્ફે નવાબ રામનિવાસ રાઠોડ ઘટના બન્યા ત્યારથી જ ફરાર થઈ ગયો હતો. પોલીસની ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો. બાપુનગર પોલીસ અને એલ.સી.બી. ઝોન-૫ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આરોપીની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન કડીઓ મળતા પોલીસે ગુજરાત બહાર મધ્યપ્રદેશના મોરેના સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. અંતે, એક મહિનાની સખત મહેનત બાદ પોલીસ ટીમે આકાશ ઉર્ફે નવાબને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, પકડાયેલો આરોપી આકાશ ઉર્ફે નવાબ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ ઓઢવ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની અદાવતમાં મિત્ર જ મિત્રનો જાન લેવા પર ઉતારુ થઈ ગયો હતો.

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર : પંચમહાલમાં 4 માસૂમોના મોત, વડોદરાની SSG હોસ્પિટલમાં 70 વેન્ટિલેટર બેડ સાથે વિશેષ તૈયારી

હાલમાં ચોથા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ છે. આ ધરપકડ સાથે જ પોલીસે શુભમ કોરી હત્યા કેસના તમામ મુખ્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે, આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે કે સામાન્ય અંગત ઝઘડામાં યુવાનો કેવી રીતે કાયદો હાથમાં લઈને મિત્રની જ હત્યા કરી બેસે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now