Surat News: તાજેતરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત થયેલા નાગરિકોની વહારે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર ધસી આવ્યું છે. લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા આજે ગીતા નગરના પૂર અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને લોકોને જરૂરી સામગ્રી તેમજ સરકારી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ગીતા નગરના અસરગ્રસ્ત પરિવારોના ઘરે-ઘરે જઈને તેમની મુશ્કેલીઓ અને આપવીતી ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. તેમણે પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને હિંમત આપતા જણાવ્યું હતું કે, "ગુજરાતની ભાજપ સરકાર આ કપરા સમયમાં આપની સાથે જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સતત નાગરિકોના પડખે ઊભી છે અને દરેક શક્ય મદદ પહોંચાડવા કટિબદ્ધ છે."
અનાજ કીટ અને ₹6800 ની કેશડોલ્સ સહાયનું વિતરણ
પૂરના કારણે જેમનું જનજીવન પ્રભાવિત થયું છે, તેવા પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી ધારાસભ્યના હસ્તે નીચે મુજબની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાશન કીટ. પૂરના પાણી ઘરમાં ઘૂસી જવાથી નુકસાન પામેલી ઘરવખરી માટેની જરૂરી સામગ્રી. નિયમોનુસાર પ્રત્યેક પાત્રતા ધરાવતા પરિવારને ₹6800 ની કેશડોલ્સ સહાયના ચેક/રોકડ અર્પણ કરવામાં આવ્યા હતા.
24 કલાક કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર
મુખ્યમંત્રીના કડક આદેશ બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની ટીમ ૨૪ કલાક કાર્યરત રહીને શહેરીજનોને મદદરૂપ થવા માટે પ્રયાસો કરી રહી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને આરોગ્યની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સર્વે કરી વિના વિલંબે સહાય ચૂકવવાની કામગીરી
પૂરના કારણે લોકોના ધંધા-રોજગાર અને ઘરવખરીને થયેલા આર્થિક નુકસાન સામે લોકો ફરીથી ઝડપથી પોતાનું સામાન્ય જીવન શરૂ કરી શકે, તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોઈપણ પ્રકારના વહીવટી વિલંબ વિના, સર્વે પૂર્ણ થતાં જ સીધી સહાય અસરગ્રસ્તોના હાથમાં પહોંચાડવામાં આવી રહી છે, જેથી સ્થાનિક રહીશોએ પણ સરકારની આ ત્વરિત કામગીરી અંગે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.






