Home Gujarat Narmada Lachhras Storm House Collapse Girl Death

નર્મદામાં આવેલા વાવાઝોડાએ લીધો માસૂમનો જીવ : મકાન ધરાશાયી થતાં 11 વર્ષની બાળકીનું મોત, લાછરસ ગામમાં શોકનો માહોલ

મકાન ધરાશાયી થયું તેની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 31, 2026, 10:42 AM IST

ગુજરાતમાં હજુ ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં મધરાતે આવેલા જોરદાર વાવાઝોડાએ એક પરિવાર પર દુઃખનો પહાડ તોડી પાડ્યો છે. ભયાનક પવનના કારણે એક મકાન ધરાશાયી થતાં 11 વર્ષની માસૂમ બાળકી રીંકુનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં ભારે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી હતી. પરંતુ નર્મદાના લાછરસ ગામ માટે આ આગાહી આફત બનીને આવી. ગત મધરાત્રિએ આશરે 2થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન જોરદાર પવન અને વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું.

આ પણ વાંચો: રેતીના તોફાનની ચેતવણી : 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ, જાણો આગામી 5 દિવસમાં હવામાન કેવું રહેશે?

પવનથી દીવાલ તૂટી

મળતી માહિતી મુજબ લાછરસ ગામમાં એક પરિવાર પોતાના ઘરમાં નિરાંતે સૂતો હતો. એ દરમિયાન અચાનક આવેલા વાવાઝોડાએ મકાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જોરદાર પવનના કારણે મકાનની બાજુની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલ તૂટતાં તેનો ભારે કાટમાળ છત પર પડ્યો અને થોડા જ પળોમાં આખો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો.

ઘરમાં સૂતેલો આખો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ઘટનાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોતાની જિંદગીની પરવા કર્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે આ ગામ : પાણી માટે માઈલો ચાલે છે લોકો

હોસ્પિટલ પહોંચતા પહેલા જ બુઝાઈ ગઈ જીવનજ્યોત

ગ્રામજનો દ્વારા ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 11 વર્ષની બાળકી રીંકુને બચાવી શકાયી નહોતી. હોસ્પિટલમાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. આ દુર્ઘટનામાં બાળકીના માતા-પિતાને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે બંનેનો જીવ બચી ગયો હતો, પરંતુ એકમાત્ર દીકરીને ગુમાવ્યાના દુઃખે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આખું ગામ હિબકે ચડ્યું

સવાર પડતાં જ જ્યારે રીંકુનો મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો, ત્યારે સમગ્ર લાછરસ ગામ ગમગીન બની ગયું હતું. જે બાળકી થોડા કલાકો પહેલાં પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવી રહી હતી, તે આજે નિર્જીવ હાલતમાં ઘરે પરત ફરી હતી.

માતા-પિતાના હૈયાફાટ રુદનથી હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. ગામના લોકો માટે રીંકુ માત્ર એક બાળકી નહોતી, પરંતુ સૌની લાડકી દીકરી હતી. ગ્રામજનોએ ભારે હૃદયે અને અશ્રુભીની આંખે તેને અંતિમ વિદાય આપી હતી. ગામમાં સર્જાયેલા આ કરુણ દ્રશ્યોએ સૌને ભાવવિભોર કરી દીધા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણ વ્યવસ્થા સામે મોટો સવાલ : 32,948 વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો, 12,542 હજુ શિક્ષણથી વંચિત

ગ્રામજનોનો તંત્ર સામે રોષ

આ દુર્ઘટના બાદ ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાછરસ ગામ દર વર્ષે ચોમાસા દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ભારે વરસાદ દરમિયાન ગામ બેટમાં ફેરવાઈ જાય છે અને ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા વારંવાર સર્જાય છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ અને માળખાકીય સુવિધાઓના અભાવને કારણે ગ્રામજનો સતત જોખમ વચ્ચે જીવન જીવવા મજબૂર છે.

આ પણ વાંચો: મોકરીયા જશે તો કોને મળશે મોકો, રાજ્યસભામાં થશે અંજલિબેનની એન્ટ્રી? : જાણો સૌરાષ્ટ્ર ભાજપમાંથી કેમ સૌથી વધારે થઇ રહી છે આ એક નામની ચર્ચા

સહાય અને કાયમી ઉકેલની માંગ

આ દુઃખદ ઘટના બાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ સરકાર અને તંત્ર સમક્ષ પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે. સાથે જ ગામમાં રહેણાંક સુરક્ષા, વરસાદી પાણીના નિકાલ અને જોખમી મકાનોની તપાસ જેવી બાબતો પર તાત્કાલિક પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય આયોજન અને માળખાકીય સુધારાઓ કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. રીંકુનું મોત માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગામ માટે આઘાત સમાન ઘટના બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now