Home Gujarat Mehsana Bjp Chandrakant Patel Viral Audio

'અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું' : 'મેં તેમનું પિકચર પૂરૂ કર્યું', મહેસાણા ભાજપના કોર્પોરેટરનાં બફાટ પર ગરમાયું રાજકારણ

ચંદ્રકાંત પટેલ અને નીતિન પટેલની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 23, 2026, 01:27 PM IST

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ચંદ્રકાંત પટેલનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વાયરલ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા સંભળાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંદાજે 5 મિનિટ લાંબી આ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલ અન્ય એક સ્થાનિક નેતા સાથે ચૂંટણી અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વાતચીત કરતા હોવાનું કહેવાય છે. ચર્ચા દરમિયાન તેઓએ નીતિન પટેલનું “પિક્ચર પૂરૂ કરી નાખ્યું” હોવાનું પણ કથિત રીતે જણાવ્યું હતું. ઓડિયોમાં અનેક વખત અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

“મારો ટાઈમ આવશે ત્યારે કોઈનું નહીં સાંભળું”

વાયરલ ઓડિયો મુજબ ચંદ્રકાંત પટેલે એવો દાવો કર્યો હતો કે તેમની ટિકિટ કપાતા તેઓએ નીતિન પટેલ સામે રાજકીય રીતે મજબૂત રીતે ઉભા રહેવાનો નિર્ણય લીધો હતો. ઓડિયોમાં તેઓએ કથિત રીતે કહ્યું હતું કે, “મારો ટાઈમ આવશે ત્યારે સમાજના કોઈ આગેવાનોનું નહીં સાંભળું” અને “ગમે એવો મજબૂત નેતા હોય, આપણે પિક્ચર પૂરૂ કરી દીધું.” આ ઉપરાંત ઓડિયોમાં અનામત આંદોલન, ટિકિટ વિતરણ અને સ્થાનિક રાજકીય સમીકરણોને લઈને પણ ચર્ચા સંભળાતી હોવાનું કહેવાય છે. ચંદ્રકાંત પટેલે કેટલાક ધારાસભ્યોની હાજરીમાં નીતિન પટેલને સીધી ટકોર કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો વિરોધ : ગધેડા પર કેરબા મૂકી કરાયો વિરોધ

નીતિન પટેલે પક્ષને કરી રજૂઆત

આ મામલે પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે તેઓને કોઈ વ્યક્તિ દ્વારા આ ઓડિયો મોકલવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ઓડિયો મળ્યો ત્યારે તેઓ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં વ્યસ્ત હતા અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં જોડાયેલા હતા.

નીતિન પટેલે જણાવ્યું કે, “મારા વિશે અપશબ્દો બોલાયા અને મારું રાજકારણ પૂરૂ થઈ ગયું હોવા જેવી વાતો કરવામાં આવી હતી. મેં આ મામલે પક્ષના આગેવાનોને જાણ કરી છે.” તેમણે આ ઓડિયો જિલ્લા પ્રભારી ભરત ડાંગર, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ને મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 પહેલાં OBC સમાજની અલગથી ગણતરીની ઉઠી માંગ : સેન્સસ કમિશનરને અપાયું આવેદન

“પક્ષ વિરોધી કામ બદલ કડક કાર્યવાહી થશે”

નીતિન પટેલે એવો પણ દાવો કર્યો હતો કે અન્ય એક જૂના ઓડિયોમાં ચંદ્રકાંત પટેલે અગાઉની નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભાજપને હરાવવાની વાત કરી હતી. ઓડિયોમાં સમાજ આધારિત મતગણતરી અને પક્ષના ઉમેદવારને હરાવવાની ચર્ચા હોવાનું તેમણે જણાવ્યું. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક શિસ્તભંગ કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, “આવા લોકો બેફામ બન્યા છે અને પક્ષની વિરુદ્ધ કામ કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી કરાશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ચંદ્રકાંત પટેલ સાથે તેમનો વ્યક્તિગત કોઈ વિવાદ કે સતત સંપર્ક નહોતો. તેઓ કાર્યકર તરીકે થોડા પ્રસંગોએ મળ્યા હોવાનું નીતિન પટેલે જણાવ્યું.

આ પણ વાંચો: OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ : OBC આગેવાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાને PM મોદીને લખ્યો પત્ર

જિલ્લા ભાજપ પ્રમુખનો ખુલાસો

આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાયરલ ઓડિયો મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને કોર્પોરેટર પાસેથી ખુલાસો માંગવામાં આવશે. તેમણે કહ્યું કે પક્ષના હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એવી પણ માહિતી સામે આવી રહી છે કે ચંદ્રકાંત પટેલને ભવિષ્યમાં પક્ષમાં કોઈ મહત્વનો હોદ્દો ન આપવાનો આંતરિક નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.

મહેસાણા ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી ચર્ચામાં

વાયરલ ઓડિયો બાદ મહેસાણા ભાજપમાં આંતરિક જૂથવાદ અને નેતૃત્વની ખેંચતાણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્તરે ચાલતા મતભેદો હવે જાહેર રીતે સામે આવતા સંગઠનની છબી પર અસર થઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આવી ક્લિપ્સ પક્ષ માટે પડકારરૂપ બની રહી છે, ખાસ કરીને સ્થાનિક ચૂંટણી અને સંગઠનાત્મક રાજકારણ દરમિયાન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now