Home Gujarat Haribhai Chaudhary Letter Pm Modi Demand Obc Ministry

OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ : OBC આગેવાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાને PM મોદીને લખ્યો પત્ર

હરિભાઇ ચૌધરી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 23, 2026, 11:27 AM IST

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના OBC આગેવાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હારીભાઈ ચૌધરી દ્વારા OBC સમાજ માટે અલગ મંત્રાલય રચવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. હરિભાઈ ચૌધરીએ દલીલ કરી છે કે દેશમાં OBC સમાજની વસ્તી આશરે 50 ટકા જેટલી હોવાથી આ વર્ગને કેન્દ્ર અને રાજ્ય સ્તરે અલગ મંત્રાલય મારફતે વધુ અસરકારક પ્રતિનિધિત્વ અને ન્યાય મળી શકે.

હરિભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahએ OBC વર્ગને બંધારણીય દરજ્જો આપીને ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, “જ્યારે OBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે તેનું અલગ મંત્રાલય કેમ ન હોવું જોઈએ?”

આ પણ વાંચો: અમદાવાદ-રાંચી ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડી : ઇમરજન્સી લેન્ડિંગ છતાં 29 વર્ષીય યુવકનું મોત

“અલગ મંત્રાલયથી બજેટ અને યોજનાઓમાં સીધો લાભ મળશે”

હરિભાઈ ચૌધરીએ દાવો કર્યો કે OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે તો આ વર્ગને બજેટ ફાળવણી, કલ્યાણકારી યોજનાઓ અને પ્રશાસનિક સ્તરે વધુ સુગઠિત લાભ મળી શકે. તેમના મતે, હાલમાં વિવિધ સમાજોને એક જ સમાજ કલ્યાણ વિભાગ હેઠળ આવરી લેવામાં આવતા કેટલાક વર્ગો સુધી પૂરતો લાભ પહોંચી શકતો નથી.

તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે ગુજરાતમાં આશરે 146 જેટલી OBC જ્ઞાતિઓ છે અને અલગ મંત્રાલય થકી દરેક સમુદાય સુધી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચી શકે. “જો OBC માટે અલગ વિભાગ હશે તો અન્ય સમાજોને પણ તેમના હક્કનો ન્યાય સરળતાથી મળી શકશે અને કોઈને અન્યાય થવાનો પ્રશ્ન ઉભો નહીં થાય,” એમ તેમણે કહ્યું.

હરિભાઈએ વધુમાં ઉમેર્યું કે સામાજિક સશક્તિકરણ માટે નાના અને પછાત વર્ગ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી જરૂરી છે. તેમના જણાવ્યા પ્રમાણે અલગ મંત્રાલય થકી નીતિઓ વધુ કેન્દ્રિત રીતે અમલમાં મૂકી શકાય અને વાસ્તવિક લાભાર્થીઓ સુધી સહાય પહોંચી શકે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીથી બનશે 20 આધુનિક રસ્તા : ₹1147 કરોડના પ્રોજેક્ટથી માર્ગ નેટવર્ક વધુ મજબૂત બનશે

OBC વસ્તી ગણતરી અને રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો

હરિભાઈ ચૌધરીએ OBC વસ્તી ગણતરીના મુદ્દાને પણ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં જો OBC સમાજની સચોટ વસ્તી ગણતરી કરવામાં આવશે તો તેના આધારે નીતિ નિર્માણ અને રાજકીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બની શકે છે.

તેમણે સંકેત આપ્યો કે આગામી ચૂંટણી પ્રક્રિયા અને સંભવિત એકસાથે ચૂંટણી યોજવાના વિચાર વચ્ચે OBC વર્ગનું પ્રતિનિધિત્વ વધુ મહત્વનું બનશે. “જો અત્યારથી જ વસ્તી આધારિત અભ્યાસ અને આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે OBC મંત્રાલય રચવાનો માર્ગ સરળ બની શકે,” એમ તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: '2027 બાદ હું નહીં સંભાળુ જવાબદારી' : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું પરિવારનો કોઈ સભ્ય પણ જવાબદારી નહીં સંભાળે, તો જાણો કોણ બનશે ચેરમેન?

“અન્ય સમાજો માટે મંત્રાલય છે તો OBC માટે કેમ નહીં?”

હરિભાઈ ચૌધરીએ પોતાના નિવેદનમાં આદિજાતિ અને લઘુમતી મંત્રાલયોના ઉદાહરણો આપતાં કહ્યું કે જેમ અન્ય સમુદાયો માટે અલગ મંત્રાલય કાર્યરત છે, તેવી જ રીતે OBC સમાજ માટે પણ અલગ મંત્રાલય હોવું જોઈએ.

તેમણે જણાવ્યું કે, “દિલ્હીમાં આદિજાતિ માટે સંપૂર્ણ મંત્રાલય કાર્યરત છે, ઘણી જગ્યાએ માઇનોરિટી મંત્રાલય પણ છે. તો OBC સમાજ માટે અલગ મંત્રાલય હોય તો તેમાં કોઈ વાંધો નથી. સરકારને પણ તેમાં કોઈ નુકસાન નથી અને દરેક વર્ગને યોગ્ય ન્યાય મળી શકે.”

આ માંગણીને કારણે હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની શકે છે. ખાસ કરીને OBC રાજકારણ અને સામાજિક ન્યાયના મુદ્દા આગામી સમયમાં વધુ પ્રબળ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now