રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નરેશ પટેલે વર્ષ 2027 બાદ પોતાની ભૂમિકાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતાં પાટીદાર સમાજ અને સામાજિક વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે લાંબા સમયથી સક્રિય રહેલા નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ વર્ષ 2009થી સતત પ્રવાસ, સમાજસેવા અને સંગઠનના કાર્યોમાં વ્યસ્ત રહ્યાં છે અને હવે 2027 નજીક આવતાં કામમાંથી આરામ લેવાની વાત કરી રહ્યાં છે.
જોકે તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયને કોઈ રાજકીય સંકેત કે સક્રિયતા છોડવાના અંતિમ નિર્ણય તરીકે જોવો યોગ્ય નહીં. તેમની વાતોમાંથી એ સ્પષ્ટ બન્યું કે તેઓ સંસ્થાકીય જવાબદારીમાંથી થોડી રાહત ઈચ્છે છે પરંતુ સમાજીક જીવનથી સંપૂર્ણ દૂર થવાની વાત નથી કરતા.
પરિવારવાદ નહીં
પત્રકારોએ જ્યારે તેમના બાદ ખોડલધામમાં નેતૃત્વ કોણ સંભાળશે તે અંગે સવાલ પૂછ્યો ત્યારે નરેશ પટેલે ખૂબ જ સ્પષ્ટ અને સીધી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ તેમની જગ્યા નહીં લે. આ નિવેદનને પાટીદાર સમાજમાં મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં પરિવારવાદ અંગે ચર્ચાઓ થતી રહેતી હોય છે.
તેમણે કહ્યું કે સંસ્થા વ્યક્તિથી મોટી છે અને ખોડલધામ પાસે હવે સક્ષમ ટીમ છે. તેમના શબ્દોમાં સંકેત મળ્યો કે તેઓ આગામી સમયમાં નવી પેઢીને વધુ જવાબદારી સોંપવાની દિશામાં વિચારી રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં ખોડલધામે માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે નહીં પરંતુ સામાજિક, શૈક્ષણિક અને યુવા વિકાસના અનેક પ્રકલ્પો દ્વારા વિશાળ ઓળખ ઉભી કરી છે. આ સમગ્ર યાત્રામાં નરેશ પટેલનું નેતૃત્વ કેન્દ્રસ્થાને રહ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિકોલ સંગઠન સાથે બેઠક : નવા કાઉન્સિલરોને આપ્યો સેવા અને સુશાસનનો સંદેશ
“માતાજીની ઈચ્છા હશે તે થશે”
2027 બાદ તેમની નવી ભૂમિકા શું રહેશે તે અંગે પૂછાયેલા પ્રશ્ન પર નરેશ પટેલે ધાર્મિક ભાવના સાથે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, “માતાજીની ઈચ્છા હશે તે થશે.” આ ટૂંકા જવાબે રાજકીય અને સામાજિક બંને વર્તુળોમાં અટકળોને વેગ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સમયાંતરે ચર્ચાઓ થતી રહી છે જોકે તેઓ અનેક પ્રસંગોએ જાહેરમાં કહી ચૂક્યા છે કે ખોડલધામના મંચ પરથી રાજકારણ થવું જોઈએ નહીં.
સુરતમાં બીજા ખોડલધામ અંગે પણ ચર્ચા
પત્રકાર પરિષદ દરમિયાન સુરત ખાતે બીજા ખોડલધામ અંગે પણ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ આવા નિર્ણયો લેવામાં આવે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ વસવાટ કરે છે અને લાંબા સમયથી ત્યાં ધાર્મિક-સામાજિક કેન્દ્ર ઉભું કરવાની માંગ સમયાંતરે સામે આવતી રહી છે.
હાલમાં ખોડલધામ કાગવડ પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ આસ્થા કેન્દ્ર તરીકે ઉભર્યું છે. 2027માં ખોડલધામને 10 વર્ષ પૂર્ણ થવાના છે અને તે નિમિત્તે ભવ્ય દશાબ્દી મહોત્સવનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાં રથયાત્રા અને વિવિધ સામાજિક કાર્યક્રમોની તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો: જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા : ગુજરાતની જેલોમાંથી 44 બંદીવાનો બોર્ડ પરીક્ષામાં પાસ
2027ને લઈને ચર્ચાઓ વધુ તેજ
નરેશ પટેલના નિવેદન બાદ હવે 2027ને લઈને પાટીદાર સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખોડલધામનું આગામી નેતૃત્વ કોણ સંભાળશે, નરેશ પટેલની નવી ભૂમિકા શું રહેશે અને સંસ્થાની આગામી દિશા કેવી હશે તેવા પ્રશ્નો સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે.
જોકે હાલ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર લાંબા સમયથી સતત ચાલતા કામકાજમાંથી થોડો આરામ લેવા માંગે છે. તેમ છતાં તેમના દરેક નિવેદન પર સામાજિક અને રાજકીય વર્તુળોની નજર ટકેલી છે. ખાસ કરીને “પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે” અને “માતાજીની ઈચ્છા હશે તે થશે” જેવા નિવેદનોને આગામી સમયની મોટી સંભાવનાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.





