Home Gujarat Ahmedabad Gujarat Jail Prisoners Board Exam Success Story

જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા : ગુજરાતની જેલોમાંથી 44 બંદીવાનો બોર્ડ પરીક્ષામાં પાસ

સાબરમતી જેલના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 23, 2026, 06:02 AM IST

જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે.

આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ-10 માં 22 અને ધોરણ-12 માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે.

શિક્ષણથી બદલાતું બંદીવાનોનું જીવન

જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડએ પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરાતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું.
એક બંદીવાને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "સજા મળ્યા બાદ લાગતું હતું કે જીવન સમાપ્ત થઈ ગયું છે. પરંતુ જેલમાં ચાલતા રેડિયો પ્રીઝન, વેલ્ફેર ઓફિસ અને જેલ અધિકારીઓ દ્વારા મળેલી પ્રેરણાએ તેને ફરી અભ્યાસ તરફ વાળ્યો. આજે પરીક્ષામાં સફળતા મળતાં તેને વર્ષો બાદ ફરી જીવતો હોવાનો અહેસાસ થયો છે.

અન્ય એક બંદીવાને જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હતો અને સજા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ જેલ અધિકારીઓના કાઉન્સેલિંગ અને પ્રોત્સાહનથી તેણે ફરી ભણવાનું શરૂ કર્યું અને આજે પરીક્ષામાં સફળતા મેળવી છે.

ધોરણ-12 માં પાસ થયેલા એક બંદીવાને જણાવ્યું હતું કે, જેલમાં હોવા છતાં તેના સપનાઓ જીવંત છે. તે અઠવાડિયામાં બે દિવસ સંગીતના ક્લાસમાં ભાગ લે છે અને બહાર જઈને ગાયક બનવાની ઇચ્છા ધરાવે છે.

આ પણ વાંચો: અમદાવાદના VIP વિસ્તારમાં ભીષણ આગ! : ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે

આધુનિક લાઇબ્રેરીની વ્યવસ્થા

જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે.

જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા-કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને બંદીવાનોને માર્ગદર્શન આપે છે.
આ 44 બંદીવાનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. જેલ પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનઃવસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે.
ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શિક્ષણ છોડી ચૂકેલા કેદીઓને પુનઃ અભ્યાસ માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ તક પુરી પાડવામાં આવે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં જહીર ડબ્બાના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો : એવું તો શું આવ્યું ડોક્ટર રિપોર્ટમાં?

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે રાજ્યની વિવિધ જેલોમાંથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કુલ 44 બંદીવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આ સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જેલના કેદીઓના પ્રતિભાશાળી બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now