Home Gujarat Ahmedabad Zahir Dabbo Death Case Ahmedabad Police Doctor Report

અમદાવાદમાં જહીર ડબ્બાના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો : એવું તો શું આવ્યું ડોક્ટર રિપોર્ટમાં?

જહીર ડબ્બા
Published by: Chintan Chavda
Last Updated: May 23, 2026, 04:55 AM IST

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા હિસ્ટ્રીશીટર ઝહરીઉદ્દીન ઉર્ફે જહીર ડબ્બાના શંકાસ્પદ મોત મામલે મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. મૃતકના પરિવારજનોએ પોલીસ કસ્ટડી દરમિયાન મારપીટ અને જબરદસ્તીથી ઝેરી દવા પીવડાવવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ ડોક્ટરના પ્રાથમિક રિપોર્ટ અને પોલીસના નિવેદન મુજબ મૃતકના શરીર પર કોઈપણ પ્રકારની ઇજા અથવા મારપીટના નિશાન મળ્યા નથી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકનું ઇન્ક્વેસ્ટ પંચનામું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની હાજરીમાં સંપૂર્ણ વીડિયોગ્રાફી સાથે કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું હતું. પંચનામા અને વીડિયોગ્રાફીની વિગતોમાં મૃતકના શરીર પર બહારથી ઈજાના કોઈ ચિહ્નો ન હોવાનું સામે આવ્યું છે.

પરિવારના આક્ષેપો સામે પોલીસનું વર્ઝન

મૃતકના પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે પોલીસ કસ્ટડી દરમિયાન જહીર ડબ્બાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેને જબરદસ્તીથી ઝેરી દવા પીવડાવવામાં આવી હતી. જોકે, પોલીસના દાવા મુજબ અત્યાર સુધીની તપાસમાં આવા આક્ષેપોને સમર્થન આપતું કોઈ પ્રાથમિક પુરાવું સામે આવ્યું નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કસ્ટડી દરમિયાન ઝહરીઉદ્દીને પોતે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે, “મેં દવા ખાધી છે, મને બચાવો.” આ માહિતી મળતાં જ ફરજ પરના પોલીસકર્મીઓએ વિલંબ કર્યા વગર તેને સારવાર માટે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર દ્વારા પૂછપરછ દરમિયાન પણ મૃતક હોશમાં હોવાનું અને તેણે પોતાની ઇચ્છાથી દવા લીધી હોવાની વાત કહી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.

આ પણ વાંચો: CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ

દવાનો ઓવરડોઝ ક્યાંથી આવ્યો?

હાલ પોલીસ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કસ્ટડી દરમિયાન ઝહરીઉદ્દીન સુધી દવાનો ઓવરડોઝ પહોંચ્યો કેવી રીતે. આ મુદ્દે વેજલપુર પોલીસે અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. સૂત્રો મુજબ, કસ્ટડી દરમિયાન પરિવારનું કોઈ સભ્ય અથવા ઓળખીતું વ્યક્તિ મળવા આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસના કહેવા મુજબ, સમગ્ર ઘટનાક્રમની સીસીટીવી ફૂટેજ, કસ્ટડી રજીસ્ટર, મુલાકાતીઓની એન્ટ્રી અને હોસ્પિટલના મેડિકલ દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તટસ્થ તપાસના આદેશ

મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને DCP ઝોન-7 દ્વારા ACP એન ડિવિઝનને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાનો સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે. તપાસમાં કોઈ પોલીસ કર્મચારીની બેદરકારી, પ્રોટોકોલમાં ખામી અથવા અન્ય જવાબદારી સામે આવશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પણ આપવામાં આવી છે.

વહીવટી તંત્રએ એવો પણ દાવો કર્યો છે કે જે સમયે સમાજના આગેવાનો અને પરિવારજનોએ રજૂઆત કરી હતી ત્યારે તેમને SDM પંચનામું અને વીડિયોગ્રાફીની વિગતો રૂબરૂ બતાવી સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ

સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ

જહીર ડબ્બાના મોત બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના દાવા અને પોસ્ટ વાયરલ થઈ રહ્યા છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બિનચકાસેલ માહિતી શેર ન કરવા ચેતવણી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે મામલો સંવેદનશીલ હોવાથી ખોટી માહિતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલ પ્રાથમિક તપાસ અને ડોક્ટર રિપોર્ટના આધારે કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપોને સમર્થન મળતું નથી, પરંતુ અંતિમ સત્ય ફોરેન્સિક અને વિગતવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now