Home Gujarat Ahmedabad Ahmedabad Sg Highway Building Fire Rescue Operation

અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ

આગ પર કાબૂ મેળવાયાની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 12:10 PM IST

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગે ભારે અફરાતફરી મચાવી દીધી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે ત્રીજા માળેથી શરૂ થયેલી જ્વાળાઓ ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે સમયસર પહોંચેલી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની બાબત માનવામાં આવી રહી છે.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગ લાગ્યાની માહિતી મળતા જ તાત્કાલિક મોટી સંખ્યામાં ફાયર ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કુલ 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને આશરે 80થી વધુ ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના SG હાઈવે પર મકરબાની સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ : ત્રીજા-ચોથા માળને આગે ઝપેટમાં લેતા અફરાતફરીનો માહોલ

ચોથા અને પાંચમાં માળ સુધી પ્રસરી આગ

પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. જોકે આગ ઝડપથી ફેલાતા ચોથો અને પાંચમો માળ પણ તેની ચપેટમાં આવી ગયા હતા. બિલ્ડિંગમાં ધુમાડો ફેલાતા અંદર ફસાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. કાચના પાર્ટિશન તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 50 જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ધુમાડો ખૂબ જ વધુ હોવાથી ફાયર જવાનોને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ઓક્સિજન સાધનો અને હાઈડ્રોલિક ઉપકરણોની મદદથી લોકોને સુરક્ષિત બહાર લાવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી PSI બની મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો : AIથી બનાવતો હતો ફેક દસ્તાવેજો

AC કમ્પ્રેસરમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ આગની શરૂઆત ACના કમ્પ્રેસરમાંથી થઈ હોઈ શકે છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડિંગના વીજ લોડ કેલ્ક્યુલેશન અંગે ઇલેક્ટ્રિકલ ટીમ પાસેથી રિપોર્ટ મેળવવામાં આવશે. સાથે જ ફાયર વિભાગ બિલ્ડિંગના ફ્લોર પ્લાન, કમ્પાર્ટમેન્ટ પ્લાન અને ફાયર સેફ્ટી સિસ્ટમ સંબંધિત તમામ પાસાઓની તપાસ કરશે. આગ બાદ બિલ્ડિંગમાં કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ફરી આગ ભભૂકી ન ઊઠે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOM સ્થાપાશે : વીજ ગ્રીડ વધુ મજબૂત બનશે

ફાયર સેફ્ટી મુદ્દે ફરી ઉઠ્યા સવાલો

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદની કોમર્શિયલ અને રહેણાંક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે, જેમાં શોર્ટ સર્કિટ, AC કમ્પ્રેસર અને ઓવરલોડિંગ જેવા કારણો વારંવાર સામે આવ્યા છે.

ફાયર નિષ્ણાતોના મતે બહુમાળી બિલ્ડિંગોમાં યોગ્ય ફાયર એક્ઝિટ, સ્મોક કંટ્રોલ સિસ્ટમ અને ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન અત્યંત જરૂરી છે. ઘણી વખત બિલ્ડિંગોમાં નિયમો મુજબની ફાયર સેફ્ટી વ્યવસ્થા ન હોવાના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની જાય છે. અમદાવાદ ફાયર વિભાગ હવે ઘટનાસ્થળની ટેક્નિકલ તપાસના આધારે આગના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નિયમોમાં કોઈ બેદરકારી સામે આવશે તો સંબંધિત લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now