ગુજરાત હવે વીજ ક્ષેત્રમાં વધુ આધુનિક ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક STATCOM સિસ્ટમ કાર્યરત કર્યા બાદ હવે રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ આ અદ્યતન ટેક્નોલોજી સ્થાપિત કરવાની યોજના ઘડાઈ છે. ઊર્જા ક્ષેત્રમાં આ પહેલને રાજ્યના પાવર ગ્રીડને વધુ મજબૂત, સ્થિર અને કાર્યક્ષમ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખાતી STATCOM સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજના ઉતાર-ચઢાવને નિયંત્રિત કરે છે અને સતત ગુણવત્તાસભર વીજ પુરવઠો જાળવી રાખવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને કૃષિ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ માંગમાં થતા અચાનક ફેરફારો સામે ગ્રીડને સ્થિર રાખવામાં આ ટેક્નોલોજી અત્યંત અસરકારક માનવામાં આવે છે.
ઊર્જા ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ
એક સમય એવો હતો જ્યારે ગુજરાત વીજ અછતનો સામનો કરતું રાજ્ય ગણાતું હતું. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે ગુજરાત દેશના ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર અને અગ્રેસર રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે શરૂ કરાયેલી જ્યોતિગ્રામ યોજના દેશભરમાં મોડેલ તરીકે જોવામાં આવી હતી. હવે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વીજ ગ્રીડ અને ટ્રાન્સમિશન સિસ્ટમને વધુ સ્માર્ટ અને આધુનિક બનાવવા નવા પ્રયોગો કરી રહ્યું છે.
ગીર સોમનાથમાં કાર્યરત થયું રાજ્યનું પ્રથમ STATCOM
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ STATCOM કાર્યરત કરવામાં આવ્યું હતું. 5 માર્ચ 2019ના રોજ શરૂ થયેલી આ સિસ્ટમ ±120 MVAR ક્ષમતા ધરાવે છે.
આ સાથે GETCO ભારતમાં STATCOM ટેક્નોલોજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની હતી. આ ટેક્નોલોજી ગ્રીડમાં વોલ્ટેજની સ્થિતિ પર સતત નજર રાખે છે અને જરૂર મુજબ રિએક્ટિવ પાવર પૂરો પાડી અથવા શોષી લઈને ગ્રીડને સંતુલિત રાખે છે.
ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં કૃષિ માટે વીજળીની માંગ વધુ રહેતી હોવાથી અગાઉ વોલ્ટેજમાં ભારે વધઘટ જોવા મળતી હતી. કેટલીક વખત પીક ડિમાન્ડ દરમિયાન વોલ્ટેજ 190 kV સુધી ઘટી જતું હતું, જ્યારે ચોમાસા દરમિયાન માંગ ઓછી હોય ત્યારે 245 kV સુધી વધી જતું હતું. આવી સ્થિતિમાં STATCOM સિસ્ટમ ગ્રીડને સ્થિર રાખવામાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદનાં જુહાપુરામાં જહીર ડબ્બાના મોત મામલે આવ્યો રાજકીય ગરમાવો : રાજકિય પક્ષે કરી નિષ્પક્ષ તપાસની માંગ
ખેડૂતો અને ઉદ્યોગોને થયો મોટો લાભ
અધિકારીઓના જણાવ્યા મુજબ STATCOM સિસ્ટમ શરૂ થયા બાદ ટ્રાન્સમિશન સિસ્ટમ પરનો ભાર ઓછો થયો છે, વીજ નુકસાનમાં ઘટાડો નોંધાયો છે અને વીજ સાધનોની સુરક્ષા પણ વધારાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે કૃષિ ક્ષેત્રમાં વોલ્ટેજની સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત થવાથી ખેડૂતોને સીધો લાભ મળ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય અને ઔદ્યોગિક બંને વિસ્તારોમાં ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ બનવાથી ઉત્પાદનક્ષમતા અને વિશ્વસનીયતા પણ વધી હોવાનું માનવામાં આવે છે.
હવે વધુ 7 સ્થળોએ સ્થાપિત થશે STATCOM
ટીંબડી ખાતે મળેલી સફળતા બાદ રાજ્ય સરકારે હવે અન્ય મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ STATCOM સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રા જેવા 220 kV સબસ્ટેશનો તેમજ આવનારા 400 kV ધોલેરા-2 સબસ્ટેશન ખાતે ±125 MVAR ક્ષમતાવાળા STATCOM સ્થાપવાનો પ્રસ્તાવ છે.
આ નવી પહેલથી રાજ્યના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. સાથે જ વધતી વીજ માંગ, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન અને ભવિષ્યની સ્માર્ટ ગ્રીડ જરૂરિયાતોને પહોંચી વળવા ગુજરાત વધુ સક્ષમ બનશે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં વીજ ગ્રીડને વધુ સ્થિર અને સ્માર્ટ બનાવવા આવી ટેક્નોલોજીનું મહત્વ વધુ વધશે. ગુજરાત દ્વારા લેવામાં આવેલ આ પગલું અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની શકે છે.






