Home Gujarat Ahmedabad Ahmedabad Airport 20 Crore Ganja Seized Bangkok Flight

અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો નશાનો સામાન : બેંગકોક ફ્લાઈટમાંથી 20 કરોડથી વધુનો ઝડપાયો ગાંજો, બેંગકોકથી આવ્યો હતો મુસાફર

ગાંજાની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 01:28 PM IST

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. કસ્ટમ્સ વિભાગ અને DRIની સંયુક્ત સતર્કતાથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 20 કરોડથી વધુ કિંમતનો 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પડાયો છે. છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ મારફતે ગાંજો, હેરોઈન અને અન્ય પ્રતિબંધિત નશીલા પદાર્થોની દાણચોરીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ હવે દાણચોરો માટે “સોફ્ટ ટાર્ગેટ” બની રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઇન ઝડપાયું હતું અને તે ઘટનાની ચર્ચા હજુ શમી પણ નહોતી ત્યાં ફરી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ બની છે. કસ્ટમ્સ અધિકારીઓની બાજ નજરના કારણે એક પછી એક કન્સાઇનમેન્ટ ઝડપાઈ રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોના નેટવર્ક અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાના દાગીનાની થઈ હતી ચોરી : 8 આરોપી ઝડપાયા, જાણો કોણ છે આરોપી કેટલાની થઈ હતી ચોરી

બેંગકોકથી આવેલા મુસાફર પર હતી ખાસ નજર

મળતી માહિતી મુજબ, ગત 20મીની મધ્યરાત્રિએ અને 21મીની વહેલી પરોઢિયે બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં એક મુસાફર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી DRI દ્વારા કસ્ટમ્સ વિભાગને આપવામાં આવી હતી. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટે એરપોર્ટ પર ખાસ વોચ ગોઠવી હતી અને મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એક મુસાફરની ટ્રોલી બેગ શંકાસ્પદ લાગતા તેની ચકાસણી કરવામાં આવી હતી. બેગમાંથી લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા કુલ 19 સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. અનુગામી પરીક્ષણ દરમિયાન આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ 20.366 કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ એક કિલો ગાંજાની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા ગણવામાં આવે છે. તે પ્રમાણે ઝડપાયેલ જથ્થાની કુલ કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના યુવકે મેળવ્યો ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેડમાર્ક : ઓનલાઈન પ્રક્રિયા કરી આઝીમ જામે મેળવ્યો ટ્રેડમાર્ક

ઉત્તર પ્રદેશના આરોપીની ધરપકડ

કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ, 1985 હેઠળ કાર્યવાહી કરીને મુસાફર અંગત શ્રીવાસ્તવની ધરપકડ કરી છે. આરોપી ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી આ ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી અમદાવાદથી ફરી દિલ્હી જવાનો હતો. પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું કે આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી. જોકે તેને ગાંજાનો જથ્થો કોણે આપ્યો, તે કોના કહેવા પર ભારતમાં લાવ્યો હતો અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે હવે DRI દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગે વધુ તપાસ માટે આરોપીને જપ્ત કરાયેલા જથ્થા સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને સોંપી દીધો છે. તપાસ એજન્સીઓ હવે આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોના નેટવર્ક સાથે આ કેસના સંભવિત સંબંધો શોધી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદનાં જુહાપુરામાં જહીર ડબ્બાના મોત મામલે આવ્યો રાજકીય ગરમાવો : રાજકિય પક્ષે કરી નિષ્પક્ષ તપાસની માંગ

અમદાવાદ એરપોર્ટ પર વધતા કેસોથી ચિંતા

છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ગાંજો અને અન્ય નશીલા પદાર્થોના જથ્થા ઝડપાવાના બનાવોમાં સતત વધારો થયો છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ અને તપાસ અધિકારીઓમાં ચિંતા વધી રહી છે. એક અંદાજ મુજબ દર સપ્તાહે વિદેશી નશીલા પદાર્થોનો જથ્થો ભારતના વિવિધ એરપોર્ટ મારફતે દેશમાં પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now