Home Gujarat Ahmedabad Ahmedabad Airport Gold Parcel Theft Case 8 Arrested

અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાના દાગીનાની થઈ હતી ચોરી : 8 આરોપી ઝડપાયા, જાણો કોણ છે આરોપી કેટલાની થઈ હતી ચોરી

આરોપીઓની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 11:00 AM IST

અમદાવાદ એરપોર્ટ પોલીસને કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. ટાઈટન કંપનીના કિંમતી સોનાના દાગીનાથી ભરેલા પાર્સલની ચોરીના કેસમાં પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાએ એર કાર્ગો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Titan Company Limitedના સોનાના દાગીનાના કુલ 7 પાર્સલ સિક્વલ લોજિસ્ટિક કંપની મારફતે અમદાવાદથી બેંગ્લોર મોકલવાના હતા. જેમાંથી એક પાર્સલમાં અંદાજે 2.107 કિલો સોનાના દાગીના હતા, જેની કિંમત રૂપિયા 2.58 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ પાર્સલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો વિભાગમાંથી Akasa Air મારફતે બેંગ્લોર મોકલાયું હતું, પરંતુ તે ગંતવ્ય સુધી પહોંચ્યું નહોતું. ત્યારબાદ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

એરલાઇન સ્ટાફ જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

કેસની ગંભીરતા જોતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ વિવિધ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આકાશા એર કંપનીના કેટલાક કર્મચારીઓએ જ સમગ્ર કાવતરું રચ્યું હતું.

આરોપીઓએ એક વ્યક્તિને પેસેન્જર તરીકે ફ્લાઇટમાં મોકલ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ સ્ટાફે સોનાથી ભરેલી બેગ ફ્લાઇટમાં જ તેને સોંપી દીધી હતી. બાદમાં આ બેગ બેંગ્લોરથી ફરી અમદાવાદ પરત લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે.પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ચોરી બાદ સોનાના દાગીનાને પીગાળીને સોનાની રણી અને લગડી બનાવવામાં આવી હતી. ત્યારબાદ આ સોનું અલગ અલગ વેપારીઓને વેચી દેવાયું હતું, જેથી પુરાવા નષ્ટ કરી શકાય.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં મનરેગા કૌભાંડનો ફૂટ્યો ભાંડો : મૃતક અને પાકિસ્તાનમાં વસ્તા લોકોનાં નામે કૌભાંડ

1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 4 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 69.24 લાખની રોકડ રકમ ઉપરાંત સોનાની રણી, સોનાની લગડી અને ચાંદીનું બિસ્કિટ મળી કુલ રૂપિયા 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે સમગ્ર ઓપરેશન દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી બજાવી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ સંકટથી ખાનગી બસ સેવા થઈ પ્રભાવિત : અનેક રૂટ કરાયા બંધ, કેટલાક રૂટ કરાયા ટૂંકા

એર કાર્ગો સુરક્ષા પર ફરી સવાલ

આ ઘટનાએ એર કાર્ગો સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે. એરપોર્ટ જેવી હાઈ-સિક્યોરિટી જગ્યાએ આટલા મોટા પ્રમાણમાં સોનાની હેરાફેરી અને ચોરી શક્ય બનતા સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આગામી સમયમાં એર કાર્ગો હેન્ડલિંગ પ્રક્રિયામાં વધુ કડક મોનિટરિંગ અને સુરક્ષા વ્યવસ્થા લાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now