રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો તથા ડીઝલની અછતનાં કારણે ખાનગી ટ્રાવેલ્સ અને બસ ઓપરેટરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અમદાવાદમાં ખાનગી બસ સેવાઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ડીઝલની અછત અને વધતા ઓપરેશન ખર્ચને કારણે અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટમાં ઘટાડો કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, હાલની સ્થિતિમાં અંદાજે 30 ટકા જેટલી ખાનગી બસ સેવાઓ અસરગ્રસ્ત બની છે. ડીઝલ સમયસર ઉપલબ્ધ ન થતું હોવાને કારણે ઘણી બસો ડેપો અથવા પાર્કિંગમાં ઉભી રાખવાની ફરજ પડી રહી છે. પરિણામે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાનગી બસ ઓપરેટરોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે લાંબા રૂટ પર બસો દોડાવવી આર્થિક રીતે મુશ્કેલ બની રહી છે. બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા બસ સંચાલન ખોરવાયું છે.
250થી વધુ રૂટ બંધ કરવાની ફરજ
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક ટ્રાવેલ્સ કંપનીઓએ પોતાના રૂટમાં ઘટાડો શરૂ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં અંદાજે 250થી વધુ ખાનગી બસ રૂટ તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને આંતરજિલ્લા અને રાત્રિ બસ સેવાઓ વધુ પ્રભાવિત થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે મુસાફરો પાસેથી ભાડામાં મોટો વધારો કરવો શક્ય નથી, જ્યારે ડીઝલ ખર્ચ સતત વધી રહ્યો છે. પરિણામે ઘણા ઓપરેટરો નુકસાન સહન કરી રહ્યાં છે. જો આગામી દિવસોમાં સ્થિતિ સુધરે નહીં તો વધુ બસો બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને મતદાન : ગુજરાતની 4 બેઠકો પર નજર
મુસાફરોમાં ચિંતા, સરકાર પાસે માંગ
ખાનગી બસ સેવા પર નિર્ભર રહેલા હજારો મુસાફરો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને રોજિંદા કામકાજ માટે મુસાફરી કરતા લોકો અને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા મુસાફરોને વધુ મુશ્કેલી પડી રહી છે.
ટ્રાવેલ્સ એસોસિએશને સરકાર સમક્ષ ડીઝલની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવા અને ખાનગી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત આપવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકોનું માનવું છે કે જો ડીઝલ સપ્લાય અને ભાવની સ્થિતિ સ્થિર નહીં થાય તો આગામી સમયમાં પરિવહન ક્ષેત્રમાં વધુ ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.






