Home Gujarat Ahmedabad Fake Psi Arrested Ahmedabad Himanshu Panchal Fraud Case

અમદાવાદમાં નકલી PSI બની મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો : AIથી બનાવતો હતો ફેક દસ્તાવેજો

આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 11:54 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી PSI બની મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પોતે પોલીસ વિભાગમાં અધિકારી હોવાનો ઢોંગ કરીને મેટ્રિમોનિયલ સાઈટ્સ અને સોશિયલ પ્લેટફોર્મ મારફતે મહિલાઓને નિશાન બનાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી AI ટેક્નોલોજીની મદદથી નકલી આઈકાર્ડ, ઓફિશિયલ પત્રો અને સરકારી દસ્તાવેજો તૈયાર કરતો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઈ પંચાલ તરીકે થઈ છે. તેનો જન્મ અમદાવાદમાં થયો હતો પરંતુ હાલ તે પોતાની માતા સાથે રાજસ્થાનના ઉદયપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉથી જ નવરંગપુરા પોલીસ સ્ટેશન અને નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

મેટ્રિમોનિયલ સાઈટ્સ પરથી મહિલાઓને બનાવતો હતો નિશાન

ક્રાઈમ બ્રાન્ચના પ્રાથમિક તપાસ અનુસાર આરોપી લગ્ન માટેની વિવિધ ઓનલાઈન સાઈટ્સ અને સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય હતો. ત્યાંથી મહિલાઓ સાથે પરિચય વધારી પોતે PSI અથવા સાયબર ક્રાઈમ વિભાગમાં કાર્યરત અધિકારી હોવાનું કહેતો હતો. પછી વિશ્વાસમાં લઈને તે મહિલાઓ પાસેથી પૈસા પડાવતો હતો.

આરોપી ક્યારેક મોબાઈલ ખરીદવાની જરૂરિયાત હોવાનું કહેતો, તો ક્યારેક વ્યક્તિગત તકલીફ અથવા ઈમરજન્સીનું કારણ આપીને રૂપિયા માંગતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે આશરે 20થી 21 મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હતી. મહિલાઓ પાસેથી 50 હજાર, 80 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની રકમ પડાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં આરોપી મહિલાઓને મળવા માટે બોલાવતો અને પછી વિશ્વાસઘાત કરીને નાણાં લઈ લેતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાના દાગીનાની થઈ હતી ચોરી : 8 આરોપી ઝડપાયા, જાણો કોણ છે આરોપી કેટલાની થઈ હતી ચોરી

AIની મદદથી બનાવતો હતો ફેક આઈકાર્ડ અને પત્રો

તપાસ દરમિયાન આરોપી પાસેથી પોલીસ વિભાગના નકલી આઈકાર્ડ, સાયબર ક્રાઈમ વિભાગના ખોટા પત્રો તેમજ IT રેડ સંબંધિત બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી AIની મદદથી આ તમામ દસ્તાવેજો તૈયાર કરતો હતો.

પોલીસ સૂત્રો અનુસાર એક ફેક આઈકાર્ડમાં આરોપીની નિવૃત્તિ વર્ષ 3026 દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે દસ્તાવેજોની ખોટી બનાવટ ઝડપાઈ હતી. આરોપી પોતાની ઓળખ વધુ વિશ્વસનીય દેખાય તે માટે સરકારી સીલ, લોગો અને ઓફિશિયલ ફોર્મેટનો ઉપયોગ કરતો હતો. અધિકારીઓનું માનવું છે કે AI આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હવે ઠગાઈના કેસો વધુ સુવ્યવસ્થિત અને ટેક્નિકલ બની રહ્યા છે, જે તપાસ એજન્સીઓ માટે નવી પડકારરૂપ સ્થિતિ ઉભી કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું બન્યું હબ? : બેંગકોક ફ્લાઈટમાંથી 20 કરોડથી વધુનો ઝડપાયો ગાંજો, બેંગકોકથી આવ્યો હતો મુસાફર

અગાઉ પણ થયો હતો ગુનો નોંધાયો

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2019માં પણ આરોપીની મહિલાને અશ્લીલ અને ભયજનક સંદેશાઓ મોકલવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત મુંબઈમાં પણ આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આરોપીના ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરી રહી છે. આશંકા છે કે આરોપીએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હોઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદનાં જુહાપુરામાં જહીર ડબ્બાના મોત મામલે આવ્યો રાજકીય ગરમાવો : રાજકિય પક્ષે કરી નિષ્પક્ષ તપાસની માંગ

મહિલાઓની ફરિયાદ બાદ ખુલ્યો ભાંડો

સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલીક મહિલાઓને આરોપીની વાતોમાં શંકા જતાં તેમણે અંદરોઅંદર એકબીજા સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને હાલ વધુ તપાસ માટે તેને નરોડા અને નવરંગપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીએ કેટલા લોકોને નિશાન બનાવ્યા અને છેતરપિંડીથી કુલ કેટલી રકમ વસૂલ કરી.

આ સમગ્ર ઘટનાએ ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર વધતી સાઇબર ઠગાઈ અંગે ફરી ચિંતાઓ ઊભી કરી છે. પોલીસ દ્વારા લોકોને અજાણ્યા વ્યક્તિઓ પર ઝડપથી વિશ્વાસ ન કરવા અને સરકારી ઓળખ સંબંધિત દાવાઓની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now