Ahmedabad Fire News: અમદાવાદના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવે પર આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી કોમર્શિયલ ઈમારત 'સોલિટેર બિલ્ડિંગ'માં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં તેણે ત્રીજા માળથી ઉપર જઈને ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટા દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જેને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કામકાજના સમય દરમિયાન લાગેલી આ આગને કારણે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
કાચ તૂટવાના અવાજોથી સર્જાયો ભય
આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના તાપના કારણે બિલ્ડિંગના બહારના ભાગમાં લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટવા લાગ્યા હતા. બિલ્ડિંગમાંથી નીચે કાચ પડતા હોવાથી નીચેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા, જેના કારણે એસ.જી. હાઈવે પર ટ્રાફિકની પણ અસર જોવા મળી હતી. અગ્નિશામક દળોએ આવીને તાત્કાલિક અસરથી આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો જેથી કોઈ જાનહાનિ ન થાય.
આ પણ વાંચો: અમદાવાદમાં આગનું તાંડવ: જીવરાજ પાર્કમાં આવેલા 'સહજાનંદ ટાવર'ના ફ્લેટમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ
ફાયર વિભાગની 'યુદ્ધના ધોરણે' બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું હતું. ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અગ્નિશામકોની ટીમ દ્વારા બિલ્ડિંગના અંદરના ભાગમાં જઈને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાઈ-રાઈઝ બિલ્ડિંગ હોવાથી આગ બુઝાવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. તંત્ર દ્વારા હાલમાં આગને ફેલાતી અટકાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.





