Home Gujarat Ahmedabad St Xaviers Ahmedabad Gcas Issue Gujarat High Court Ug Admission

ગુજરાતમાં GCAS વિવાદ વધુ ઘેરાયો : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજે ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો, જાણો કેમ ઉઠ્યો વિરોધ

St Xavier Ahmedabad
Published by: Suman Dabhi
Last Updated: May 22, 2026, 09:45 AM IST

St Xavier Ahmedabad: ગુજરાતમાં અન્ડરગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયા માટે અમલમાં મૂકાયેલી GCAS સિસ્ટમ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અમદાવાદની જાણીતી St. Xavier’s College Ahmedabadએ 2026-27ના પ્રવેશ માટે GCASથી સંપૂર્ણપણે અલગ રહી પોતાની સ્વતંત્ર ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ કોલેજે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના કારણે રાજ્યની કેન્દ્રીય પ્રવેશ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટે બનાવવામાં આવેલી Gujarat Common Admission Services (GCAS) પોર્ટલ અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને કોલેજો દ્વારા લાંબા સમયથી ઉઠાવવામાં આવતી ફરિયાદો હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદની સ્વાયત્ત St. Xavier’s College Ahmedabadએ સ્પષ્ટ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે કોલેજ GCAS પ્રક્રિયામાં ભાગ નહીં લે અને તમામ UG પ્રવેશ પોતાની સત્તાવાર ઓનલાઈન પોર્ટલ મારફતે જ કરશે.

કોલેજ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ Phase-1 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 28 મે સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. પ્રથમ મેરિટ લિસ્ટ 30 મેના રોજ સાંજે 5 વાગ્યે જાહેર થશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની પ્રક્રિયા 31 મેથી 2 જૂન સુધી ચાલશે. ત્યારબાદ Phase-2ની પ્રક્રિયા પણ શરૂ થશે અને ખાલી બેઠકો રહેશે તો વધુ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

GCAS સિસ્ટમ સામે કોલેજના મુખ્ય આક્ષેપો

કોલેજે પોતાના જાહેરનામામાં જણાવ્યું છે કે GCAS પોર્ટલને લઈને અગાઉથી જ સત્તાવાળાઓ સમક્ષ ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજનું માનવું છે કે આ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ સર્જાઈ રહી છે અને પ્રવેશ પ્રક્રિયા અનાવશ્યક રીતે લાંબી બની રહી છે.

જાહેરનામામાં કોલેજે રાજ્ય સરકારને GCAS પોર્ટલ પરથી સેન્ટ ઝેવિયર્સનું નામ દૂર કરવા વિનંતી પણ કરી છે જેથી વિદ્યાર્થીઓ ગેરસમજમાં ન પડે. કોલેજે વધુમાં જણાવ્યું કે GCASની ફરજિયાત અમલવારી વિરુદ્ધનો મુદ્દો હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ પણ પાઠવી છે અને હવે કેસની આગળની સુનાવણી 8 જૂને થશે.

આ કોઈ પહેલી વાર નથી જ્યારે સેન્ટ ઝેવિયર્સે GCASનો વિરોધ કર્યો હોય. ગયા વર્ષે પણ કોલેજે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પોતાના સ્તરે એડમિશન પ્રક્રિયા ચાલુ રાખી હતી.

વિદ્યાર્થીઓને શું સમસ્યાઓ આવી રહી છે?

GCAS પોર્ટલ અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ દસ્તાવેજ ચકાસણી, મેરિટ લિસ્ટ અને કાઉન્સેલિંગ પ્રક્રિયામાં વિલંબની ફરિયાદ કરી છે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદની વિદ્યાર્થીની જયવિકા વાગેલાએ ગયા વર્ષે BCom LLB પ્રવેશ માટે GCAS મારફતે અરજી કરી હતી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંબંધિત સમસ્યાના કારણે તેનું નામ મેરિટ લિસ્ટમાં જ આવ્યું નહોતું. તેણીએ દાવો કર્યો કે ફોર્મ સાચી રીતે ભર્યા છતાં સિસ્ટમ સંબંધિત ખામીઓના કારણે પ્રવેશથી વંચિત રહેવું પડ્યું.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પોર્ટલ આધારિત હોવાથી કોલેજો પણ સીધી મદદ કરી શકતી નથી. જેના કારણે નાના ટેક્નિકલ મુદ્દા પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરે છે.

કોલેજ સંચાલકો પણ નારાજ

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ અનેક કોલેજ સંચાલકોએ પણ GCASની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા કેટલાક પ્રિન્સિપાલોએ દાવો કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા અત્યંત લાંબી અને જટિલ બની ગઈ છે.

કેટલાક સંચાલકોના જણાવ્યા મુજબ ગયા વર્ષે પ્રવેશ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલી હતી અને લગભગ 36 કાઉન્સેલિંગ રાઉન્ડ થયા હતા. પરિણામે શૈક્ષણિક કેલેન્ડર ખોરવાયું અને નિયમિત વર્ગો મોડા શરૂ કરવા પડ્યા.

બીજી મોટી સમસ્યા “સીટ બ્લોકિંગ” તરીકે સામે આવી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ GCAS મારફતે એક કોલેજમાં બેઠક રોકી રાખે છે અને પછી બીજી જગ્યાએ પ્રવેશ લઈ લે છે. પરિણામે અન્ય વિદ્યાર્થીઓને મેરિટ હોવા છતાં સમયસર પ્રવેશ મળતો નથી.

રાજકીય અને શૈક્ષણિક સ્તરે પણ ઉઠ્યો વિરોધ

GCAS મુદ્દે હવે રાજકીય વિદ્યાર્થી સંગઠનો પણ સક્રિય બન્યા છે. NSUI અને ABVP જેવી સંસ્થાઓએ સિસ્ટમમાં સુધારાની માંગ ઉઠાવી છે. શિક્ષણવિદોનું કહેવું છે કે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ઓનલાઈન પ્રવેશ વ્યવસ્થા વધુ મુશ્કેલ બની રહી છે.

ઈન્ટરનેટ કનેક્ટિવિટી, દસ્તાવેજ અપલોડ અને ટેક્નિકલ સમજણ જેવી બાબતોના કારણે ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવા સમયમાં કેટલીક કોલેજો પોતાની સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખી રહી હોવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન હવે ફરી પરંપરાગત કોલેજ આધારિત એડમિશન તરફ જઈ રહ્યું છે.

આ પણ વાંચો: NEET બાદ હવે RE-NEET કૌભાંડ? : કોણ છે આ 'રાઘવ સર'? જે ₹10 લાખમાં પેપર વેચીને કરોડો ઉઘરાવી રહ્યો છે!

હવે આગળ શું?

સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજી GCASના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો હાઈકોર્ટ કોલેજના પક્ષમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આપે છે તો અન્ય સ્વાયત્ત અને પ્રતિષ્ઠિત કોલેજો પણ GCASથી અલગ થવાનો રસ્તો અપનાવી શકે છે.

હાલ રાજ્ય સરકાર માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે વિદ્યાર્થીઓ અને કોલેજોના વિશ્વાસને ફરીથી કેવી રીતે મજબૂત બનાવવો. કારણ કે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિનો મૂળ હેતુ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવાનો હતો, પરંતુ હાલ સામે આવી રહેલી ફરિયાદો સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન મૂકી રહી છે.

સમગ્ર પ્રવેશ વ્યવસ્થાની અસરકારકતા પર ચર્ચા તેજ

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે GCASને એક મોટી સુધારાત્મક પહેલ તરીકે રજૂ કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યની જાણીતી કોલેજો દ્વારા ખુલ્લો વિરોધ શરૂ થતા સમગ્ર પ્રવેશ વ્યવસ્થાની અસરકારકતા પર ચર્ચા તેજ બની છે. હજારો વિદ્યાર્થીઓ માટે UG પ્રવેશ પ્રક્રિયા વધુ અનિશ્ચિત બની શકે છે અને આગામી દિવસોમાં સરકાર, યુનિવર્સિટી તથા કોલેજો વચ્ચેનો તણાવ વધવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now