NEET-UG 2026 Paper Leak: NEET-UG 2026 પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ દિલ્હીની એક અદાલતમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તપાસ એજન્સી અનુસાર, મહારાષ્ટ્રના લાતુર સ્થિત એક કોચિંગ સેન્ટરના સંચાલકના મોબાઇલ ફોનમાંથી મળેલા હાથથી લખાયેલા 136 કેમિસ્ટ્રીના પ્રશ્નોમાંથી 111 પ્રશ્નો NEET-UG 2026ના માસ્ટર પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે.
CBIએ આ માહિતી આરોપીની જામીન અરજીનો વિરોધ કરતી વખતે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તપાસમાં સામે આવેલી વિગતો બાદ પેપર લીક કેસ વધુ ગંભીર બન્યો છે.
કોના મોબાઇલમાંથી મળ્યા પ્રશ્નો?
CBIના જણાવ્યા મુજબ આ પ્રશ્નો લાતુરના શિવરાજ મોટેગાંવકરના મોબાઇલ ફોનમાંથી મળ્યા હતા. શિવરાજ 'રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસેસ' નામનું કોચિંગ ચલાવે છે અને 'Motegaonkar Sir's RCC' નામની યુટ્યુબ ચેનલ પણ સંચાલિત કરે છે, જેના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. તપાસ દરમિયાન તેમના મોબાઇલમાંથી કુલ 36 તસવીરો મળી આવી હતી, જેમાંથી પાંચ તસવીરો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. બાકીની તસવીરોમાં હાથથી લખાયેલા કેમિસ્ટ્રીના પ્રશ્નો નોંધાયેલા હતા.
111 પ્રશ્નો માસ્ટર પ્રશ્નપત્ર સાથે મળતા આવ્યા
CBIના પ્રાથમિક વિશ્લેષણ મુજબ, મોબાઇલમાં રહેલા કુલ 132 હાથથી લખાયેલા કેમિસ્ટ્રીના પ્રશ્નોમાંથી 111 પ્રશ્નો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા તૈયાર કરાયેલા NEET-UG 2026ના માસ્ટર પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.
એજન્સીનો દાવો છે કે આ પ્રશ્નો આરોપી શિવરાજ મોટેગાંવકરની જ હસ્તલિખિત નોંધમાં હતા.
પરીક્ષાના બે અઠવાડિયા પહેલાં જ હતા પ્રશ્નો
તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. CBI મુજબ મોબાઇલમાં રહેલી તસવીરો 23 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવી હતી, જ્યારે NEET-UG પરીક્ષા 3 મે 2026ના રોજ યોજાઈ હતી.
એટલે કે પરીક્ષા યોજાય તેના લગભગ બે અઠવાડિયા પહેલાં જ પ્રશ્નો મોબાઇલમાં ઉપલબ્ધ હતા, જે પેપર લીકના આરોપોને વધુ મજબૂત બનાવે છે.
હોસ્પિટલ કેમ્પસમાં મળ્યા હતા પ્રશ્નો
CBIના જણાવ્યા મુજબ, શિવરાજ મોટેગાંવકરને આ પ્રશ્નો લાતુરના સિદ્ધિવિનાયક હોસ્પિટલ પરિસરમાં મળ્યા હતા. આ હોસ્પિટલ બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ શિરુરે દ્વારા સંચાલિત હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીનો આરોપ છે કે NTAના પેનલ સભ્ય અને અનુવાદક પી. વી. કુલકર્ણીએ પ્રશ્નપત્ર લીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટેલિગ્રામ મારફતે 10 લાખ રૂપિયામાં વેચાયા હોવાનો આરોપ
CBIના દાવા મુજબ લીક થયેલા પ્રશ્નપત્રોની PDF ફાઇલ ટેલિગ્રામ મારફતે અંદાજે 10 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.
તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે લગભગ 150 પાનાંનું એક 'ગેસ પેપર' કેટલાક ઉમેદવારોને પરીક્ષા પહેલાં જ આપવામાં આવ્યું હતું. તેમાં કુલ 410 પ્રશ્નો હતા, જેમાંથી અંદાજે 120 પ્રશ્નો NEET-UG 2026ની કેમિસ્ટ્રી પરીક્ષામાં પૂછાયા હોવાનું એજન્સીનું કહેવું છે.
અત્યાર સુધી 13 લોકોની ધરપકડ
CBIએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બંનેનો સમાવેશ થાય છે.
આ ધરપકડ દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગર સહિત વિવિધ શહેરોમાંથી કરવામાં આવી છે.
આ પણ વાંચો: AI ક્ષેત્રમાં કરિયર બનાવવું છે? : જાણો 2026ની ટોપ 7 જોબ્સ, જરૂરી સ્કિલ્સ અને કોર્સ વિશે
22.7 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
NEET-UG 2026 પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, જેમાં દેશભરમાં 22.7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પેપર લીકના ગંભીર આરોપો સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 12 મે 2026ના રોજ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી CBI સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સતત નવા ખુલાસા કરી રહી છે.
શા માટે આ કેસ મહત્વનો છે?
NEET-UG દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં પેપર લીકના આરોપોએ પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. CBIની તપાસમાં સામે આવતા નવા પુરાવા આ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





